પેટ્રોલિંગમાં ગયેલા જમાદારનું જડબુ તોડી નાખતી પિતા-પુત્ર સહિતની ચંડાળ ચોકડી

- text


હળવદના કડિયાણા નજીક બનેલી ઘટનામાં જમાદાર કોન્સ્ટેબલે માંડ જીવ બચાવ્યો : ફરજ રુકાવટનો ગુન્હો દાખલ

હળવદ : ગઈકાલે સાંજે હળવદ તાલુકાના ચરાડવા બીટ જમાદાર અને કોન્સ્ટેબલ પીધેલા શખ્સોને ઝડપી લેવા કડીયાણા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા ત્યારે કડીયાણા ગામના માથાફરેલા પિતા પુત્ર અને અન્ય એક શખ્સ સહિતની ચંડાળ ચોકડીએ કારણ વગર બીટ જમાદાર અને તેમના સાથીદાર ઉપર હુમલો કરી બેલાના પથ્થર ફટકારી ઝડબુ તોડી દાત હલબલાવી નાખતા પોલીસ જવાનોને જીવ બચાવવો અઘરો થયો હતો અને આ મામલે ફરજ રુકાવટ સહિતની કલમો મુજબ ચારેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકા પોલીસ મથક હેઠળ આવેલ ચરાડવા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડીયા અને અનાર્મ લોકરક્ષક ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કડીયાણા-પાંડાતીરથ રોડ ઉપર કોઈ દારૂડિયા દારૂ પી રહ્યા હોવાની હકીકત મળતા બન્ને પોલીસ જવાન એ રસ્તા ઉપર તપાસમાં ગયા હતા. જ્યાં એક શંકાસ્પદ ઇસમને અટકાવી પૂછપરછ કરતા હોય અચાનક જ આરોપી (૧) મુન્નાભાઇ હમીરભાઇ (૨) હમીરભાઇ કમાભાઇ (૩) પરેશ હમીરભાઈ તથા (૪) કેશવ કાનાભાઇ રહે.બધા કડીયાણા તા. હળવદવાળા આવી પહોંચ્યા હતા અને પોલીસની ફરજમાં રુકાવટ કરવાનું શરૂ કર્યું હતું.

- text

વધુમાં આરોપી મુન્ના સહિતના પિતા પુત્રોએ અચાનક હલ્લો મચાવી પોલીસ જવાનોને લાકડી વતી માર મારવાની સાથે છુટા પથ્થરોના ધા કરી તેમજ ચારેય આરોપીઓએ જમાદાર અરવિંદભાઈ તથા લોકરક્ષકને પાડી દઇ ઉપર ચડી જઇ ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી, મોઢાના ભાગે મુકકા મારતા દાંત ખસી ગયેલ હોય તેમજ હોઠ ઉપર ઇજા કરી હતી. ઉલ્લેખનીય છે કે બન્ને પોલીસ જવાનો ઝનૂની ચારેય શખ્સોની ચુંગાલમાંથી માંડ છૂટ્યા હતા.

આ ગંભીર બનાવ અંગે લોકરક્ષક ઉપેન્દ્રસિંહની ફરિયાદના આધારે હળવદ પોલીસે ચારેય વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૧૮૬, ૩૩૭, ૩૩૨, ૩૩૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text