મોરબી સિવિલમાં સુવિધાના અભાવે 30 ટકા બાળ દર્દીઓને કરી દેવાય છે રીફર

- text


મોટાભાગના બાળકોને રીફર કરાતા હોવાથી આરોગ્ય નિયામક ચોંક્યા : સિવિલ સત્તાધીશોને ગુણવત્તાસભર સેવા આપવા અને સુધારાત્મક પગલાં લેવાની સૂચના

મોરબી : રાજ્ય સરકાર દ્વારા બાળ મરણ અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવા મસમોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. અને બાળકો ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. તેવા સમયે જ મોરબી જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાંત તબીબીની ગેરહાજરી વચ્ચે સારવાર માટે આવતા મોટાભાગના બાળ દર્દીઓને રીફર રૂપી ખો આપવામાં આવતી હોય, રાજ્યનો આરોગ્ય વિભાગ ચોંક્યો છે અને આ મામલે સિવિલ સર્જન અને વિભાગીય નિયામકને ગંભીર ટકોર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ધરાવતી મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક, સ્કિન, આંખ, કાન, નાક, ગળા સહિતના અનેક તબીબોની જગ્યા ખાલી છે. જેમાં સૌથી ગંભીર બાબત એ છે કે સિવિલમાં બાળ રોગ નિષ્ણાંત તબીબની રજા ઉપર ઉતરી ગયા છે. મોરબી સિવિલમાં એપ્રિલથી જૂન, 2021 દરમિયાન હોસ્પિટલમાં સારવાર માટે આવેલા બાળ દર્દીઓમાંથી 30 ટકા જેટલાને રીફર કરી દેવામાં આવ્યા હોવાથી આરોગ્ય નિયામક ચોકી ઉઠ્યા છે અને આ ગંભીર બાબત અંગે વિભાગીય નિયામક રાજકોટ અને મોરબી સિવિલ સર્જનને આકરા શબ્દોમાં ટકોર કરી છે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરતા હોય, રોજેરોજ પ્રસુતિ બાદ નવજાત શિશુઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ગરીબ દર્દીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે. એ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં ખેત શ્રમિકના બાળકો પણ સારવાર માટે સિવિલમાં આવતા હોય છે પરંતુ અહીં બાળ રોગ નિષ્ણાંત તબીબની ગેરહાજરીથી મોટાભાગના દર્દીઓને નાછૂટકે ખાનગી તબીબ પાસે અથવા તો રાજકોટ ધક્કા થાય છે. આ સંજોગોમાં આગામી સમયમાં કોરોના મહામારીનો ખતરો પણ દસ્તક દઈ રહ્યો છે ત્યારે જ બાળરોગ નિષ્ણાંતની કમી બાળકો માટે ઘાતક બને તેવા સંકેતો મળી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text