ગુરુપરંપરા: પૌરાણિક કાળથી ગુરુ ધારણ કરવાનો ઉદ્દેશ જ્ઞાનની પ્રાપ્તિ, વિદ્યાની પ્રાપ્તિ રહ્યો છે

- text


મોરબી : ગુરુપરંપરાએ આદિકાળથી ધાર્મિક પરંપરાઓમાં આગવું સ્થાન ધરાવે છે. ધર્મનું મહત્વ આજપર્યંત ઓછું થયું હોય એવું જણાતું નથી. આથી લગભગ બધા જ ધર્મોમાં ગુરુના મહત્વએ ઉચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. દરેક ધર્મમાં ગુરુનું મહત્વ ભલે સમાન જોવા ના મળતું હોય પરંતુ વૈશ્વિક સમુદાયને ધ્યાનમાં લેતાં મોટા ભાગનો વર્ગ ગુરુપરંપરાને અનુસરે છે અને ગુરુને વિશેષ સ્થાને જોવે છે. ખાસ કરીને ઐશ્વર્ય, સદગુણો અને વિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુને આવશ્યક ગણવામાં આવે છે.

હિન્દુ ધર્મ પ્રમાણે અષાઢ સુદ પૂનમને ‘ગુરુપૂનમ’ એટલે કે ‘ગુરુપૂર્ણિમા’ તરીકે ઓળખવામાં આવે છે, ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુનું વિશેષ મહત્વ સમજાવવામાં આવે છે, તેની વંદના અને આરાધના કરવામાં આવે છે. મહાભારત, ચાર વેદો અને અઢાર પુરાણોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢી પૂનમના થયેલ હોય તે સંદર્ભથી આ દિવસને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વેદ વ્યાસે આ મહાન ગ્રંથો દ્વારા સમાજ જીવનમાં રહેતાં લોકોને વિશાળ જ્ઞાનની ઝાંખી કરી છે. સમાજ-જીવનમાં જીવતો માણસ સદમાર્ગે ચાલે, સદવિચારોનું મહત્વ સમજે, દયા- કરુણા- નિષ્ઠા- પ્રામાણિકતા જાળવી રાખે તથા સમગ્ર સૃષ્ટિનું ભલું ઇચ્છે એ ઉદ્દેશો મહર્ષિ વ્યાસ દ્વારા આ ગ્રંથોમાં રહેલા છે.

પૌરાણિક કાળથી ગુરુ ધારણ કરવાનો ઉદ્દેશ જ્ઞાનની પ્રાપ્તિ હતી, વિદ્યાની પ્રાપ્તિ હતી. એક સમયે વિશેષ મહત્વ ધરાવતી ગુરુપરંપરા આધુનિક યુગમાં ઔપચારિક બનતી જાય છે. એટલે કે વિધિવત ગુરુ ધારણ કરવા, સમયે સમયે અને પ્રસંગે પ્રસંગે તેને યાદ કરવા, દક્ષિણા આપવી વગેરે જેવી વહેવારિક પરંપરા માત્ર જાળવી રાખવામાં આવે છે. આ ઔપચારિકતાના લીધે સમય જતાં ગુરુજ્ઞાનની કે વિદ્યાની જે મુખ્ય વિભાવના, મુખ્ય ઉદ્દેશ હતો તે ગૌણ બનતો જતો હોય તેવું જણાય છે.

આ માટે મુખ્ય બે કારણો જવાબદાર ગણાવી શકાય: આધુનિક શિક્ષણ પ્રથાનો વિકાસ અને આર્થિક વિકાસ તરફની ઝડપી ગતિ. પહેલાના સમયમાં જ્ઞાન એટલે કે વિદ્યા માત્ર ગુરુ પાસેથી જ પ્રાપ્ત થતી. આજે વિદ્યાપ્રાપ્તિ વિવિધ શિક્ષકો અને ઉપકરણો દ્વારા થાય છે. આથી ધારણ કરેલા ગુરુ પાસેથી જ્ઞાન કે વિદ્યા પ્રાપ્તિની જે પરંપરા હતી તે હાંસિયામાં રહી ગઈ. બીજી તરફ જોઈએ તો સમયની સાથે માણસ અર્થ પરાયણ બન્યો છે. આથી આધ્યાત્મિક દૃષ્ટિ મર્યાદિત બની છે અને તેથી આપણે ગુરુ ધારણ કરીએ છીએ(કેટલાક સમુદાયમાં તો એ પણ હવે નથી રહ્યું) તેની સાથેના સંબંધો કદાચ આપણે વહેવારિક દ્રષ્ટિએ સાચવીએ છીએ પણ જ્ઞાન કે વિદ્યા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ વિકાસની દોડમાં તાલ મિલાવી શકતો નથી.

આમ છતાં સમાજનો એક એવો વર્ગ કે અમુક લોકો વ્યક્તિગત સ્વરૂપે પણ જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ, વિદ્યા પ્રાપ્તિની દ્રષ્ટિએ કે આદર્શ જીવનની દ્રષ્ટિએ ગુરુનું મહત્વ આજે પણ વિશેષ ગણે છે, સ્વીકારે છે. અલબત્ત ક્યાંક તેમાં અંધશ્રધ્ધા પણ જોવા મળે છે. આ વર્ગ આજે ઉજવાતા ગુરુપૂર્ણિમાના પર્વમાં ઔપચારિક રીતે તો સામેલ થાય જ છે પરંતુ માત્ર ઔપચારિકતા પૂરતાં જ ગુરુ મહિમામાં જોડાતાં નથી. એટલે કે આ દિવસે ગુરુના ચરણોમાં વંદન કરવાં, તેને યાદ કરવાં, તેના ગુણગાન ગાવાં, તેને દક્ષિણા આપવી વગેરે માત્ર તેની ગુરુભક્તિ કે ગુરુ સાથેનો નાતો નથી.

- text

તેના માટે ગુરુ એટલે ચમત્કાર, તેના માટે ગુરુ એટલે ચેતના પૂરનાર, તેના માટે ગુરુ એટલે તે જે રાહ ચીંધે તે રાહે ચાલવું તે. આવી અનુભૂતિ એટલા માટે થાય છે કે તેને ગુરુના સાક્ષાત અનુભવો થયા હોય છે. ગુરુએ તેની શક્તિ ઓળખી તે દિશામાં ચાલવા ચેતના પુરી હોય છે અને એ ચેતના દ્વારા તેને ચમત્કારી વાસ્તવિક પરિણામોની પ્રાપ્તિ થઇ હોય છે. એટલે કે તેનું જીવન વિદ્યા કે જ્ઞાનના સંદર્ભમાં તીવ્ર ગતિશીલ બન્યું હોય છે. આ ગુરુ ઔપચારિક રીતે ધારણ કર્યા હોય કે અનૌપચારિક રીતે ધારણ કર્યા હોય પરંતુ પરિણામલક્ષી ફલશ્રુતિ અહીં મહત્વની બને છે.

અત્રે મારા જીવનના બે કિસ્સા સંદર્ભ તરીકે નોંધવા મને યોગ્ય લાગે છે. ધોરણ આઠમાં સત્રાંત પરીક્ષામાં મારે ગણિત વિષયમાં ૫૦માંથી ૧૩ માર્કસ હતા. બીજા વર્ષે શાળા બદલતાં ધોરણ નવમાં ગણિત વિષય દીનુભાઈ પટેલ સાહેબ પાસે શીખવાનો થયો. બરાબર એક વર્ષ પછી ધોરણ નવની સત્રાંત પરીક્ષામાં મારે ૪૦માંથી ૩૯ માર્કસ આવ્યા. જૂન ૧૯૯૮માં અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક તરીકે જોડાયા પછી પીએચ. ડી. કરવા માટે માર્ગદર્શક શિક્ષકની શોધમાં પાંચ વર્ષ સુધી નિષ્ફળ પ્રયત્નો કર્યા. બાદમાં સ્વ. (ડો.) તુષાર હાથી સાહેબનો સંપર્ક થતાં ગાડી જાણે કે પાટે ચડી દોડવા માંડી અને ત્રણ જ વર્ષમાં પીએચ. ડી. તો થયું જ પરંતુ એમની વિદાય એટલે કે ૧૫ એપ્રિલ ૨૦૨૧ સુધી તેમની સાથે રહીને અર્થશાસ્ત્ર વિષયમાં મેં કલ્પના કરી ન હોય એટલું કામ થઇ શક્યું. અલબત્ત તેને વિષયના સંદર્ભમાં અલ્પ જ ગણવું રહ્યું.

આ બંને મહાનુભાવોના ગુરુ તરીકેના વાસ્તવલક્ષી ચમત્કાર મને સ્પષ્ટપણે અનુભવાયા છે. સ્વાભાવિક રીતે જ તેઓ મારા આદર્શ છે. આજના દિવસે હું મારા ધર્મના ગુરુને વંદન કરું છું કે જેમની મારા તરફ શુભ ભાવના રહી છે, શુભેચ્છા રહી છે, આશીર્વાદ રહ્યાં છે.

આલેખન : પ્રો. આર. કે. વારોતારિયા


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text