મોરબીમાં માત્ર એક જ આધાર કાર્ડ સેન્ટર, લોકો હેરાન-પરેશાન

- text


દરરોજ મોટી સંખ્યામાં લાઈનો લાગતી હોવા છતાં માત્ર 40 જ લોકોને ટોકન આપતા અનેકને ધરમધક્કા

મોરબી : સરકારની તમામ યોજના અને કોરોના રસીકરણમાં આધાર કાર્ડ ફરજીયાત બનવાથી લોકો આધાર કાર્ડ માટે હેરાન-પરેશાન થઇ રહ્યા છે. તેવા સમયે મોરબીમાં માત્ર એક જ આધાર કાર્ડ સેન્ટર હોવાથી લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. દરરોજ આધાર કાર્ડ કઢાવવા માટે મોટી સંખ્યામાં લાઈનો લાગે છે.પરંતુ એની સામે માત્ર બટકું રોટલો આપતા હોય એમ 40 લોકોને ટોકન આપતા અનેક લોકોને ધરમધક્કા થઈ રહ્યા છે. આટલું ઓછું હોય તેમ સ્ટાફની ગેરહાજરી અને સર્વર ડાઉન સહિતની અનેક ખામીઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

મોરબીના જાગૃત નાગરિકોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકા સેવાસદન ખાતે આવડા મોટા મોરબી તાલુકા માટે એકમાત્ર આધાર કાર્ડ સેન્ટર કાર્યરત છે. મોરબી તાલુકો મોટો હોય અને એની સામે એક જ આધારકાર્ડ સેન્ટર હોવાથી કામગીરીમાં ધાંધિયા થાય છે. દરરોજ આધાર કાર્ડ કઢાવવા માટે દૂર દૂરથી અનેક લોકો આવે છે અને આ આધાર કાર્ડ સેન્ટરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની ભીડ થાય છે. લોકોની મોટી કતારો હોવા છતાં માત્ર 40 લોકોને આધાર કાર્ડ આપવાના ટોકન અપાઈ છે. તેથી, બીજા આવેલા અનેક લોકોને ખોટા ધક્કા થાય છે અને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે.

આટલું ઓછું હોય એમ અલગ-અલગ બહાનાબાજી ચલાવીને લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો પણ લોકોએ જવાબદારો સામે આક્ષેપ કર્યો હતો. અવારનવાર સર્વર ડાઉન, નેટ કનેક્શન, અધિકારી હાજર નથી એવા બહાના કાઢીને હાથ ઊંચા કરી દેતા દૂર દૂરથી આધાર કાર્ડ કઢાવવા માટે આવેલા લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઘણા લોકોને અનેક વખત ધક્કા થાય છે.છતાં આધાર કાર્ડ મળતા નથી. આવી ગંભીર પરિસ્થિતિ હોવાથી જાગૃત નાગરિકોએ કલેકટરને રજુઆત કરી વધુ આધાર કાર્ડ સેન્ટર શરૂ કરી આ બાબતે ઘટતી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

- text

- text