અસંતોષની આગના લબકારા : મોરબી પાલિકાના ચેરમેનનું રાજીનામું

- text


વોર્ડ નંબર 8 ના સદસ્યએ કામ કરવાના બાકી હોય, પૂરતો સમય મળે એ માટે રાજીનામુ ધરી દીધાનું રટણ : ભાજપમાં ભાગદોડ

મોરબી : મોરબી નગરપાલિકામાં તમામ 52 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયા બાદ 25 જેટલી કમિટીઓની પણ રચના થઈ ગઈ છે. તેવા સમયે જ ભાજપમાં આંતરિક ખેંચતાણ અને અસંતોષની આગ ભડકી હોય તેવી સ્થિતિ વચ્ચે આજે વોર્ડ નંબર 8ના નગર સેવક અને રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેને રાજીનામુ ધરી દેતા ભાજપમાં ભાગદોડ મચી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં વિપક્ષની ગેરહાજરી વચ્ચે સર્વેસર્વા ભાજપમાં સભ્યોને સાચવવા માટે બે દિવસ પૂર્વે અડધો અડધ સભ્યોને ચેરમેન બનાવાયા છે. ત્યારે મનગમતા ખાતા મેળવવા બે દિવસમાં અસંતોષની આગના લબકારા ચાલુ થયા છે. ગઈકાલે બે સભ્યોએ રાજીનામાં લખ્યા બાદ આગેવાનોએ સૌ સારાવાના થશે તેવી ખાતરી આપતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

- text

દરમિયાન આજે મોરબી પાલિકાના વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર અને રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન દિનેશભાઇ કૈલાએ અચાનક રાજીનામુ ધરી દેતા શાસક પક્ષ અચંબિત બની ગયો છે. આ અંગે દિનેશભાઇ કૈલાનો સંપર્ક સાધતા તેમને ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હોવાનું સ્વીકારી કહ્યું હતું કે, વોર્ડના અનેક કામો બાકી રહેતા હોય તે કામ કરવામાં સમય રહે તે માટે રાજીનામુ ધર્યું છે.

ઉલ્લેખનીય છે કે, નગરપાલિકામાં ભાજપનું સંપૂર્ણ બહુમત સાથેનું શાસન મળવા છતાં આંતરિક ખેંચતાણ અને હુસાતુસી અત્યારથી શરૂ થઈ જતા સ્વચ્છ પ્રતિભા સાથે ચૂંટાઈ આવેલા નવોદિતો મૂંઝવણમાં મુકાયા છે.

- text