ખેડૂતો સ્વખર્ચે નર્મદા કેનાલ સાફ કરવા મજબૂર

- text


નર્મદા સિંચાઈ યોજનાના અધિકારીઓ કાગળ ઉપર કરોડોના સફાઈ ખર્ચ દર્શાવી ભ્રષ્ટાચાર આચરતા હોવાની રાવ

હળવદ : મોરબી જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલ સફાઈ અને જંગલ કટિંગના કામ અધિકારીઓ કાગળ ઉપર જ દર્શાવી દેતા હોય ખેડૂતોને પૂરતું પાણી ન મળતા અને મળે તો ગમે ત્યારે કેનાલ તુટવાથી ખેતરમાં પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે આજે હળવદના મયુરનગર ગામના ખેડૂતોએ સ્વખર્ચે કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ યોજના થકી અસંખ્ય ખેડૂતો સિંચાઈ યોજનાનો લાભ મેળવે છે. પરંતુ આ કેનાલમાં ઊગી નીકળતા ઝાડી, ઝાંખરા કેનાલના આયુષ્યને ઘટાડવાની સાથે ખેડૂતોને સિંચાઈમાં બાધારૂપ બનતા હોવા છતાં દરવર્ષે નર્મદા કેનાલના બાબુઓ માત્ર કાગળ ઉપર જ સફાઇ અને જંગલ કટિંગ દર્શાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા હોય ખેડૂતો સ્વખર્ચે કેનાલ સફાઈ કરવા મજબૂર બન્યા છે.
ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી નીકળતી ટીકર-ડિ-૨૨ કેનાલ કે જે મયુરનગરથી પસાર થાય છે. આ કેનાલમાં પાછલા ઘણા સમયથી જાળી જાખર ઊંગી ગયા હોવાને કારણે અવાર નવાર કેનાલ છલકાવા તેમજ કેનાલ તૂટી જવાના બનાવો બનતા હોય છે. જેના કારણે ખાસ કરીને કેનાલ કાંઠે રહેલા ખેતરમાં પાણી ભરાઇ જતા હોય છે જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. જોકે કેનાલ સાફ કરાવવા માટે ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદા નિગમના અધિકારીઓને કહેવામાં આવ્યું છે. પરંતુ તેઓની આળસ હજુ ગઈ નથી. જેથી આજે મયૂરનગરના ખેડૂતોએ સ્વખર્ચે નર્મદા કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે.
હવે જોવાનું એ રહ્યું કે, અન્ય ખેડૂતોએ પણ સ્વખર્ચે કેનાલ સાફ કરવી પડશે કે પછી નર્મદા નિગમના અધિકારીઓ કેનાલ સાફ કરવા આગળ આવશે..? કે પછી કાગળ ઉપર જ કામગીરી દર્શાવવામાં આવશે? તેવા સવાલો ખેડૂતો ઉઠાવી રહ્યા છે.

- text