વોર્ડ વાયઝ સ્ટ્રીટ લાઈટોના રીપેરીંગ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ

- text


દરેક વોર્ડમાં અઠવાડિયે એક વખત પાલિકાનો રોશની વિભાગ રીપેરીંગ માટે જશે

મોરબી : મોરબી નગરપાલિકાએ આખરે ઘણા સમય બાદ જાહેર માર્ગો ઉપર બંધ સ્ટ્રીટ લાઈટોના રીપેરીંગ માટે આળસ મરડી છે. જેમાં મોરબી નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં સમયાંતરે સ્ટ્રીટ લાઈટોને રીપેરીંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઈટનું રીપેરીંગ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં ઘણા સમયથી જાહેર માર્ગો ઉપર આવેલી નગરપાલિકા હસ્તકની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની સળગતી સમસ્યા છે. ઘણા વિસ્તારોમાં વારંવાર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા મુખ્યમાર્ગો ઉપર બંધ સ્ટ્રીટ લાઈટને ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ દરેક વોર્ડમાં પણ સ્ટ્રીટ લાઈટના રીપેરીંગ માટે કમર કસી છે. દરેક વોર્ડમાં અઠવાડિયામાં એક વખત લાઈટ રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવશે.

- text

નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ સ્ટ્રીટ લાઈટના રીપેરીંગ માટે ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ વોર્ડ નંબર 1, 2 માં સોમવારે વોર્ડ નંબર 3, 4 માં મંગળવારે, વોર્ડ નંબર 5, 6 માં બુધવારે, વોર્ડ નંબર 7, 8 માં ગુરુવારે, વોર્ડ નબર 9, 10 માં શુક્રવારે, વોર્ડ નંબર 11, 12 માં શનિવારે અને વોર્ડ નંબર 13 માં રવિવારે સ્ટ્રીટ લાઈટની કામગીરી કરવામાં આવશે. જો કે, સ્ટ્રીટ લાઈટના રીપેરીંગની સાથે જ જાહેર માર્ગો ઉપર 24 કલાક લાઈટો ચાલુ રહેતી હોય વીજળીનો ખોટો બગાડ થતો હોય આ બાબતે પણ પાલિકાને ધ્યાન દેવાની જરૂર છે.

- text