સોશિયલ મીડિયાના માધ્યમથી ઓરિસ્સાના દિવ્યાંગ સગીરનું વાલી સાથે મિલન કરાવતી મોરબી તાલુકા પોલીસ

- text


પોલીસે 18 દિવસ સુધી દિવ્યાંગને પોલીસ મથકે સાચવ્યો : સોસીયલ મીડિયા પર વિડિઓ વાઇરલ કરી માતા-પિતાની ભાળ મેળવી

મોરબી : મોરબીમાં ભૂલા પડેલા ઓરિસ્સાના દિવ્યાંગ સગીરને 18 દિવસ સુધી ઘર જેવા માહોલમાં દેખભાળ રાખી તાલુકા પોલીસ ટીમે સોશિયલ મીડિયા ઉપર વિડિયો વાઇરલ કરી સગીરના માતા-પિતા સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ગત તા. 22 મેના રોજ રાહદારીને એક દિવ્યાંગ કિશોર માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. રાહદારીએ તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો હતો. પોલીસે દિવ્યાંગનું નામ-સરનામું મેળવવા પ્રયત્ન કર્યો પણ દિવ્યાંગ અભણ હોવાથી તેને કંઈ ખ્યાલ નહતો. પોલીસે જુદી-જુદી સંસ્થાનો સંપર્ક કરતા કોઇ ફળદાયક હકીકત મળેલ ન હતી. જેથી, દિવ્યાંગને પરીવારના એક સભ્યની જેમ આજ દીન સુધી પોલીસ સ્ટેશન ખાતે જ રાખી જીવન જરૂરીયાતની સવલતો પુરી પાડી હતી.

- text

પોલીસ ટીમે દરરોજ સોશ્યલ મિડીયાના માધ્યમથી અલગ-અલગ શહેરો, સ્થળો, પોલીસ સ્ટેશન, ભાષા, અહેવાલો વિગેરેના ફોટાઓ દિવ્યાંગને બતાવતા ઓરીસ્સા ભાષા તથા જગન્નાથ મંદિરના ફોટાઓ જોતાની સાથે જ પોતે ત્યાંનો હોવાની હાથના ઇશારાઓથી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જેથી, પોલીસે મોરબી તાલુકાના સિરામીક વિસ્તારમાંથી ઓરીસ્સા રાજ્યના અલગ અલગ મજુરોના સંપર્ક કર્યો હતો. ગત તા. 7ના રોજ દિવ્યાંગનો એક વિડીયો બનાવી ઓરીસ્સા રાજ્યના મજુરોની મદદથી ફેસબુક જેવા સોશ્યલ મીડીયાના માધ્યમથી વાયરલ કર્યો હતો.

ત્યારબાદ ગઈકાલે તા. 8ના રોજ દિવ્યાંગના ગામનો એક શ્રમિક પોલીસ મથકે આવી દિવ્યાંગની ઓળખ આપી હતી. તેણે દિવ્યાંગના વાલી સાથે વિડીયો કોલથી વાતચીત કરાવી ખરાઇ કરતા દિવ્યાંગનું નામ બુધ્યાસીંગ બીરાસિંગ સુકાસિંગ અને તે ઓરીસ્સા રાજ્યના બાલાસોર જિલ્લાના ખાનનગર ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે દિવ્યાંગને સિયારામ સિરામીકમાં કામ કરતા તેના ગામના રંગા કટીને સોંપી આપ્યો હતો. તેમજ તાલુકા પોલીસે સિયારામ સિરામીકના માલીક જયપ્રકાશભાઇ બાવરવાના સહયોગથી દિવ્યાંગને તેના વતન મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.

- text