મોરબી : ઐતિહાસિક મહત્વ ધરાવતી મૌલાઈ રાજા સાહેબ વાવની નિભરતંત્રના કારણે દુર્દશા

- text


વ્હોરા સમાજની ધાર્મિક લાગણી જોડાયેલી છે એવી વાવનાં સંરક્ષણ માટે તંત્ર ઉદાસીન

મોરબી: મોરબીમાં આવેલી મૌલાઈ રાજા સાહેબ વાવની દુર્દશાને લઈને વ્હોરા સમાજ દ્વારા તંત્રને ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયાસ થયો છે. ઐતિહાસિક મહત્વ ધરાવતી આ વાવને પુરાતત્વ વિભાગ દ્વારા સૌરક્ષિત જાહેર કરવામાં આવી છે. વાવની જાળવણી અને દેખરેખ માટે સ્થાનિક તંત્રને જવાબદારી પણ સોંપાઈ છે, આમ છતાં હજુ સુધી વાવના સૌરક્ષણ માટે સ્થાનિક તંત્ર કે સ્થાનીય નેતાગીરી આગળ આવી નથી.

વી.સી. ફાટક નજીક આવેલી મૌલાઈ રાજા સાહેબ દરગાહ ટ્રસ્ટે મોરબી જિલ્લા કલેકટરને એક આવેદન આપી તેમાં જણાવ્યું છે કે, ઉક્ત વાવ બાબતે સબંધિત તંત્રનું આશરે 70 વખત ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હેરિટેજ તરીકે જાહેર થયેલી આ વાવના વિકાસ અને જાળવણી બાબતે તંત્ર ઉદાસીન રહ્યું છે. 2015ની સાલથી ટુરિઝમના સભ્યોએ વાવની જાળવણી બાબતે ભલામણ કરી હોવા છતાં હજુ વાવની હાલત દયનિય છે. ઐતિહાસિક વારસો ધરાવતી આ વાવ પ્રત્યે સેવવામાં આવતું દુર્લક્ષ વાવને વધુને વધુ જર્જરિત બનાવી રહ્યું છે. આ વાવને રીપેર કરવા માટે હેરિટેજ ડિપાર્ટમેન્ટ તરફથી ભંડોળ પણ ફાળવાયું હોવા છતાં હજુ આ વાવ જર્જરિત અવસ્થામાં સ્વંયના ભવ્ય ભૂતકાળને વાગોળી રહી છે. ત્યારે સબંધિત તંત્ર વાવની દુર્દશા નિવારવા ત્વરિત પગલાં ભરે એવી વ્હોરા સમાજની માંગણી અને લાગણી છે.

- text

- text