માળીયાના મેઘપર ગામે ઘર પાસે આંટાફેરા કરવા મામલે બે પરિવારો વચ્ચે બબાલ

- text


બન્ને પરિવારોના સભ્યોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાવી

માળીયા (મી.) : માળીયાના મેઘપર ગામે ઘર પાસે આંટાફેરા કરી યુવતી સામે જોવા બાબતે બે પરિવારો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં મામલો વધુ બીચકાતા બન્ને પરિવારોના સભ્યો આમને સામને આવી જઈને લાકડી અને ધોકા વડે એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. આ મારામારીમાં બન્ને પક્ષના સાત વ્યક્તિઓને ઇજા થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી.

- text

આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના મેઘપર ગામે રહેતા દિનેશભાઇ મેંણાદભાઈ સોલંકી (ઉ.વ.33) એ આરોપીઓ કરણભાઈ તભાભાઈ, ભરતભાઇ તભાભાઈ, ગુલાબભાઈ તભાભાઈ અને વિરમભાઈ સુખાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ પક્ષના વિષ્ણુ નામનો યુવાન જ્યારે જ્યારે ફરિયાદીના ઘર પાસે નીકળે ત્યારે ફરિયાદીની ભાણી સામે જોતો હોવાથી આ બાબતે ફરિયાદીએ યુવાનને ટપાર્યો હતો. આથી, આ બાબતે ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને ફરિયાદી તેમજ સાહેદો સુભાષભાઈ, સુનિતાબેન સહિતનાને ધોકા વતી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે ભરતભાઇ તભાભાઈ આદ્રોજિયાએ આરોપીઓ દિનેશભાઇ મેંણાદભાઈ સોલંકી, હંસરાજભાઈ પાંચાભાઈ, માંડણભાઈ પાંચાભાઈ અને સુભાષભાઈ કરમણભાઈ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીનો ભાઈ વિષ્ણુ આરોપીના ઘર પાસે નીકળતો જ ન હોવા છતાં ખોટો આરોપ લગાવીને આરોપીઓ ફરિયાદી અને સાહેદોને લાકડી તેમજ પથ્થરો વડે માર માર્યો હતો. માળીયા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text