ટંકારા વિસ્તારમાં તરબૂચ-ટેટીનું વાવેતર કરતાં ખેડૂતોની માઠી

- text


લોકડાઉન અને રાત્રી કર્ફ્યૂ સહિતના કારણોસર માંગ અને વેચાણ તળિયે

ટંકારા: કોરોના મહામારીમાં લોકડાઉન અને કર્ફ્યૂ સહિતની પરિસ્થિતિ વચ્ચે લોકોના ધંધા, રોજગાર ઉપર વ્યાપક અસર પડી છે ત્યારે ઉનાળામાં અમૃત સમાન ગણાતા અને ઠંડક આપતા તરબૂચ તથા સક્કરટેટી જેવાં ફળો પકવતા ટંકારા પંથકના ખેડૂતો અને વાડા માલિકોની મહેનત પર પાણીઢોળ થયું હોય તેવી હાલત છે.

ટંકારા વિસ્તારમાં મિતાણા, રાજાવડ, બંગવાડી, ટંકારા સહિતના વિસ્તારોમાં નદી કે ડેમ કાંઠે તરબૂચ અને ટેટીનું દર વર્ષે પુષ્કળ વાવેતર થાય છે. સ્થાનિક સહિત દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તરબૂચ-ટેટીની ખુબ જ માંગ હોય છે. અલબત્ત આ વર્ષે તરબૂચ, ટેટીનું ઉત્પાદન કરતા ખેડૂતો અને વાડા વાવવા શ્રમિકોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. શહેરોમાં લોકડાઉન, અન્ય રાજ્યોમાં લોકડાઉન અને રાત્રી કરફ્યૂની સ્થિતિ વચ્ચે ઉપરોક્ત ફ્ળોની ડિમાન્ડ નથી રહી.

અધૂરામાં પૂરું ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ખોરંભે પડી હોવાથી પણ અન્ય રાજ્યોમાં માલ મોકલી શકાતો ન હોવાથી તૈયાર થયેલા તરબૂચ, ટેટી ફેંકી દેવાનો વારો આવ્યો છે. બિયારણની પડતર નીકળે તો પણ સારું એમ કહેતા ટંકારના રાઈશંગભાઈ કુઢિયા, કાનાભાઈ વિકાણી, દલસુખભાઈ પટેલ સહિતના ખેડૂતો જણાવે છે કે, ગામડાઓમાં પ્રસરતા કોરોના કેસોને લઈને લોકડાઉન અહીં પણ લાગુ કરાયું હોય હોલસેલ વિક્રેતાઓ ખરીદી કરવા આવી શકતા નથી. શહેરોમાં દર વરસ કરતા ચાલુ વર્ષે તરબૂચ, ટેટીની માંગ ઘટી છે. લોકો માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓ પાછળ જ પૈસા ખર્ચતા હોય તરબૂચ, ટેટીનો ઉપાડ નહિવત બન્યો છે.

- text

- text