મોરબીમાં સાઈડ આપવા માટે હોર્ન મારતા યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

- text


ચાર શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના કબીર ટેકરી શેરીનં. ૩ ના અંદરના ખુણા પાસે રસ્તામાં સાઈડ આપવા માટે હોર્ન મારતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ યુવાન પર લોખંડના પાઈપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટ શેરી નં. ૮ માં રહેતા શારૂખભાઇ આરીફભાઇ પરમાર (ઉ.વ ૨૬ ધંધો વેપાર) એ આરોપીઓ સાહીલ સીદીકભાઇ ચાનીયા, આઝાદ સીદીકભાઇ ચાનીયા, જુનેદ ખુરેશી, હાજી ચા વાળાનો મોટો છોકરો (રહે તમામ કબીર ટેકરી મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૬ ના રોજ ફરીયાદી કબીર ટેકરી શેરી નં. ૩ માંથી પોતાના બુલેટમાં પોતાના પત્નિ તથા બાળકોને લઇને પરત ઘરે આવતા હતા.ત્યારે કબીર ટેકરી શેરી નં. ૩ ના ખુણા પાસે આરોપીઓએ રસ્તા બંધ કરીને બેઠા હોય જેઓને હોર્ન મારી રસ્તો ખુલ્લો કરવા ફરીયાદીએ જણાવ્યું હતું.

- text

આરોપીઓને આ બાબતે સારુ નહી લાગતા ઉશ્કરેાઇ જઇ આરોપીઓએ ત્યાં પડેલ લાકડાનો ધોકો તથા પ્લાસ્ટીકના ધોકા અને લોખંડના પાઇપ વડે ફરીયાદીના શરીર ઉપર ઘા કરી મુંઢ માર મારી તથા ડાબા હાથની કોણી પાસે ફ્રેક્ચર જેવી ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે ઇ.પી.કો કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.

- text