મોરબીના ઘુટું ગામે એક માસમાં કોરોનાના 600 કેસ, 107ના મોત

- text


લક્ષ્મીનગરમાં 200માંથી હાલ 7 કેસ એક્ટિવ, શનાળામાં 300માંથી 30 જ કેસ એક્ટિવ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી ઇનિંગ સૌથી વધુ ઘાતકી રહી હતી. જેમાં એપ્રિલમાં કોરોનાએ એટલી હદે કહેર વરસાવ્યો કે એના સંક્રમણથી શહેરો તો ઠીક ગામડા પણ બચી ન શક્યા. પહેલેથી જ આરોગ્યની ઓછી સુવિધાઓ મોરબીના ગામડાઓમાં એપ્રિલ માસ દરમિયાન કોરોનાએ હાલત બદથી બદતર કરી નાખી હતી. ગામડાઓમાં પણ ઘરે-ઘરે કોરોના જેવી કપરી હાલત સર્જાઈ હતી. જેમાં મોરબીના ઘુંટુ ગામની વાત કરીએ તો આ ગામમાં એપ્રિલ માસમાં કોરોનાના 600 કેસ નોંધાયા હતા અને 107ના મોત થયા હતા.

ઘુટુ ગામના સરપંચ કલાભાઈ ચૌહાણ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે આ ગામના પૂર્વ સરપંચ દેવજીભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, ગયા માસમાં કોરોનાના પ્રકોપને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આથી, હવે કેસમાં ઘટાડો થયો છે. હાલ 50 જેટલા જ કેસ એક્ટિવ છે. હાલ પરિસ્થિતિ સુધારા ઉપર હોવાનું જણાવ્યું હતું. પણ રસીકરણ ધીમું ચાલે છે. કુલ 12 હજારની વસ્તી સામે 30 ટકા જેવું જ રસીકરણ થયું છે. રસીના ડોઝ ઓછા આવતા હોવાથી રસીકરણની પ્રક્રિયા ધીમી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

- text

જ્યારે લક્ષ્મીનગરના સરપંચ બાલકૃષ્ણભાઈ વિરસોડિયાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં 200 જેટલા કેસ હતા. પણ હવે પરિસ્થિતિ સુધરી છે. હાલ ગામમાં 8 કેસ જ એક્ટિવ છે. જ્યારે 2 હજારની વસ્તી સામે 80 ટકા જેવું રસીકરણ થઈ ગયું છે. ગામમાં કોરોનાથી 10 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું.

રંગપર (બેલા) ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અગાઉ 100 કેસ હતા હવે માત્ર 15 જેટલા જ એક્ટિવ કેસ છે અને 15 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગામની 2100 ની વસ્તી સામે 30 ટકા જેવું રસીકરણ થયું છે. મોરબી શહેરને અડીને આવેલા શનાળામાં હાલ ગ્રામ પંચાયત નથી. ત્યારે ગામના તાલુકાના પંચાયતના સદસ્ય રજનીભાઈ સિરવીએ જણાવ્યું હતું કે, એક માસમાં 300 જેટલા કેસ નોંધાયા હતા. પણ હવે 30 જેટલા જ કેસ એક્ટિવ છે.અને 54 જેટલાના મોત થયા હતા. ગામની 12 હજારની વસ્તી સામે 40 ટકા રસીકરણ થયું છે. વેકસીનનો સ્ટોક આવતો ન હોવાથી ગામમાં રસીકરણની કામગીરી ધીમી રીતે થાય છે.

તે ઉપરાંત, બિલિયા ગામેના સરપંચ કાંતિભાઈ પેથાપરાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 50 કેસ હતા. આશિક લોકડાઉન અને 75 ટકા રસીકરણને કારણે એકપણ મોત થયા નથી. એટલે ગામમાં પરિસ્થિતિ સારી હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text