મોરબી એસ.ટી. વિભાગને આર્થિક ફટકો : દૈનિક આવક માત્ર રૂ. 79 હજાર

- text


મીની લોકડાઉનના કારણે અઢી લાખની આવક કરતા એસ.ટી. વિભાગની આવકમાં મસમોટા ગાબડાં

મોરબી : કોરોના મહામારી વચ્ચે લાદવામાં આવેલા મીની લોકડાઉનને પગલે મોરબી એસ.ટી. વિભાગની આવકમાં મસમોટા ગાબડાં પડયા છે. એપ્રિલ માસની શરૂઆતમાં મોરબી ડેપોની આવક દરરોજ અઢી લાખથી વધુ હતી. જયારે હાલમાં દૈનિક આવક ઘટીને રૂ. 79 હજાર થઇ જવા પામી છે. જો કે બીજી તરફ મીની લોકડાઉનમાં એસ.ટી.ના 100 જેટલા એક્સપ્રેસ અને ગ્રામ્યરૂટ પણ બંધ થયા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં કોરોના મહામારીને કારણે ધંધા રોજગારને વ્યાપક અસર પડી છે. જેમાં એસટી વિભાગ પણ બાકાત રહ્યો નથી. ખાસ કરીને 15 એપ્રિલ બાદ કોરોના ઘાતક બનીને ત્રાટકતા ટ્રાફિક ઘટી જવા પામ્યો હતો. એપ્રિલ માસની શરૂઆતમાં મોરબી ડેપોને દૈનિક અઢી લાખ રૂપિયા જેટલી આવક થતી હતી પરંતુ મીની લોકડાઉનના નિયંત્રણો લાગુ કરવામાં આવતા ક્રમશ: એસ.ટી.ની આવકમાં ગાબડાં પાડવાના શરૂ થયા હતા. જેમાં 20 એપ્રિલ બાદ તો એસ.ટી.ની દૈનિક આવક એક લાખ જેટલી જ સીમિત થઈ જવા પામી હતી.

- text

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અને મીની લોકડાઉનના નિયંત્રણ અમલમાં મુક્ત મોરબી ડેપોના અનેક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં એક્સપ્રેસ અને ગ્રામ્ય રૂટ મળી 100 જેટલા રૂટના પૈડાં થંભાવી દેવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં મોરબી એસટી વિભાગ દ્વારા માત્ર પાંચ જેટલા જ ગ્રામ્ય રૂટ ચાલુ રાખવામાં આવ્યા છે. જેમાં જામસર, ધુળકોટ, ઘાટીલા, ચમનપર અને માળીયા રૂટનો સમાવેશ થયા છે. બાકીના ગ્રામ્યરૂટ હાલમાં સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે હાલમાં કોરોના સંક્રમણ જોતા લોકો બહારગામ મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોવાથી અનેક એસ.ટી.ના રૂટ બંધ હોવા છતાં લોકોને કોઈ અસર પડી ન હોવાનું જણાઈ રહ્યું છે.

- text