રાજકીય કાર્યક્રમોની મનાઈ વચ્ચે મોરબીમાં ભાજપના ધરણા

- text


પશ્ચિમ બંગાળમાં હિંસાના વિરોધમાં ભાજપ કાર્યાલય નીચે ધરણા : જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના લોકોએ દોઢ કલાક ધરણા કર્યા

મોરબી : એક તરફ કોરોના મહામારીમાં લોકો ટપો ટપ મરી રહ્યા હોય કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે લગ્નપ્રસંગ – મૃત્યુ જેવા સમયે લોકોની સીમિત હાજરી કરી રાજકીય કાર્યક્રમો અને જાહેર મેળાવળાં ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તેવા સમયે લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર આજે મોરબી ભાજપના હોદેદારો દ્વારા પશ્ચિમ બંગાળની હિંસાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરતા સામાન્ય નાગરિકોમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને મીની લોકડાઉં અને કલમ 144 વચ્ચે ભાજપના લોકોને કઈ જ લાગુ ન પડતું હોવાની વ્યાપક બૂમ ઉઠી છે, બીજી તરફ જાહેરનામા પ્રસિદ્ધ કરનાર કલેકટર તંત્ર અને પોલીસ તંત્રે પણ ભાજપ સામે લાજ કાઢી હોવાનું આજના ધરણા ઉપરથી સાબિત થયું છે.

પશ્ચિમ બંગાળની તાજેતરની ચૂંટણી દરમિયાન તેમજ તેના પરિણામ બાદ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કાર્યાલયો પર હુમલા અને હિંસાઓના વિરોધમાં આજે ગુરુવારે સવારે 09:00 કલાકે મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય નીચે, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં ધારણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સવારે 9થી 10:30 કલાક સુધી ચાલેલા આ ધરણાં પ્રદર્શનમાં જેન્તીભાઈ કવાડિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સહિતના 25 જેટલા સ્થાનિક નેતાઓ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા. જેમાં ભાજપના કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં થયેલી વ્યાપક હિંસાને વખોડી કાઢતા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી ઉક્ત ઘટનાઓનો વિરોધ કર્યો હતો.ચોંકાવનારી વાત તો એ છે કે ભાજપના આ ધરણા પ્રદર્શન માટે પોલીસ વિભાગની કોઈ મંજૂરી પણ લેવામાં આવી ન હતી

- text

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે હાલમાં મોરબી જિલ્લામાં કલમ 144 લાગુ છે અને 4 લોકોથી વધુ લોકોને એકત્રિત થવા ઉપર પ્રતિબંધ અમલી છે છતાં પણ કોરોનાની વર્તમાન સ્થિતિ જોયા વગર હાલમાં ભાજપ દ્વારા મોસાળે જમણ અને માં પિરસનારની સ્થિતિમાં ધરણા યોજતા સામાન્ય નાગરિકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને રાજકીય રોટલા શેકવા માટે યોજાયેલા રાજકીય કાર્યક્રમ અંગે તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી છે.

- text