ભડકે બરે હો… હવે સ્ટન્ટ કરવાની ગુસ્તાખી કરી તો ગ્યા કામથી : 15 ઝડપાયા

- text


મોરબી જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ કડક કાર્યવાહી કરી 

હવે ક્યાંય આવા બબુડીયા દેખાય તો પોલીસ કંટ્રોલને ફોન-વોટ્સએપ કરવા જનતાને અપીલ

મોરબી : મોરબીમાં પોતાના તો ઠીક બીજાના જીવ જોખમમાં મુકાય તેમ સરાજાહેર મોટર સાયકલ ઉપર સ્ટન્ટ કરતા બાપ કમાઈના બાબુડિયાઓ અંગેના ન્યુઝ પ્રસિદ્ધ થતા જ જિલ્લા પોલીસવડાએ દાખલારૂપ કડક કાર્યવાહી કરવા આદેશ આપતા છેલ્લા 24 કલાકમાં ધૂમ સ્ટાઇલ બાઈક સહીત આવા 15 શખ્સોને પોલીસે ગિરફ્તમાં લઈ સ્ટંટમેનશિપનું ભૂત ઉતારવાની કડક કાર્યવાહી કરતા અનેક બાબુડિયા તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.બીજી તરફ જિલ્લા પોલીસવડાએ ભવિષ્યમાં આવા તત્વો આવી ગુસ્તાખી કરે તો તુરંત જ ફોટા પાડી પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવા જનતાને અપીલ પણ કરી છે.

મોરબી શહેરમાં ધૂમ સ્ટાઇલ વાહન હંકારી લોકોના જીવ પડીકે બંધાઈ તેવા કૃત્યો અંગે સૌ પ્રથમ મોરબી અપડેટમાં ગઈકાલે પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું અને જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ તમામ પોલીસ મથકોને કડક કાર્યવાહી કરવા સૂચના આપતા સીસીટીવી કેમેરા અને પોકેટ એપ મારફતે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ધનરાજસિંહ શાંતુભા વાઘેલા, અવેશ તૈયબભાઇ સામતાણી સહિત 15 જેટલા ધૂમ બાઈક સવારોને ઝડપી લઈ તેમના ફટફટિયા પણ કબ્જે લઈ દાખલારૂપ કડક કાર્યવાહી કરી છે.

દરમિયાન મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે મોરબી શહેર જિલ્લામાં જો ક્યાંય પણ આવા ધૂમ સ્ટાઇલ બાઈક ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળેતો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ફોન નંબર 02822 243480 ઉપર જાણ કરવા અથવા પોલીસ કંટ્રોલરૂમ મોબાઈલ નામાબર 74339 75943 ઉપર ફોટોગ્રાફ સહિતની વિગતો મોકલી આપવા અપીલ કરી છે.

- text

- text