વાંકાનેર ભાજપમાં ભૂકંપ : ભાવિ પાલિકા પ્રમુખ સહિતના 16 સભ્યોના રાજીનામાં

- text


જિલ્લા ભાજપ દ્વારા સર્વ સંમતથી નક્કી કરાયેલ પ્રમુખ – ઉપ પ્રમુખને બદલે અન્ય નામ નક્કી કરાયાની દહેશતે રાજીનામાં ધરી દીધા : કાલે નવાજુની થવાના એંધાણ

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ કહે છે મને કોઈ રાજીનામાં પત્ર મળ્યો નથી

વાંકાનેર : વાંકાનેર શહેર ભાજપ અને મોરબી જિલ્લા ભાજપ વચ્ચે ગજગ્રાહ વધી રહયા સ્પષ્ટ એંધાણ વચ્ચે આવતીકાલે યોજાનારી પાલિકા પ્રમુખની ચૂંટણી પૂર્વે જ ભાવિ પ્રમુખ તરીકે જે નામ ચર્ચામાં છે તેવા જયશ્રીબેન સેજપાલ સહિત નગર પાલિકામાં ચૂંટાયેલા 16 સભ્યોએ લેટર બૉમ્બ ફોડી રાજીનામાં ધરી દીધા છે અને વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસે આ અંગેનો પત્ર પણ જિલ્લા ભાજપ પ્રમુખને મોકલ્યો છે પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ આવો પત્ર મળ્યાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે ત્યારે આવતીકાલે વાંકાનેર પાલિકા પ્રમુખની ચૂંટણીમાં નવાજુની થવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે, જો કે રાજીનામાં ધરી દેનાર સભ્યો અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

વાંકાનેર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 24 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતા બહુમતી સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મવડી મંડળને મોકલી આપ્યું હતું પરંતુ છેલ્લા દિવસોમાં જીતુભાઇ સોમણીના ગાઈડલાઈન ઉપરવટ જઈ ચૂંટણી લડવા મામલે જિલ્લા ભાજપ અને વાંકાનેર શહેર ભાજપ સામસામે આવી ગયા હોય પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે બહુમતી સભ્યોએ નક્કી કરેલા નામ ને બદલે અન્ય નામ આવે તેવી દહેશત વ્યક્ત કરી 16 સભ્યોએ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામાં ધરી દીધા છે.

- text

બીજી તરફ વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા 16 સભ્યોના રાજીનામાં અંગેનો પત્ર શહેર પ્રમુખ દિનુભાઈ વ્યાસે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને મોકલી આપ્યો હોવાનું બહાર આવ્યું છે અને આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈને આ મામલે મોરબી અપડેટ ટેલિફોનિક સંપર્ક કરતા આવો કોઈ પત્ર તેમને મળ્યો ન હોવાનું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

વાંકાનેર પાલિકાના ચૂંટાયેલા સભ્યોના રાજીનામાં અને નારાજગી મામલે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરતા તેમનો મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો છે.

દરમિયાન વાંકાનેરના રાજકીય સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે, રાજીનામાં ધરી દેનાર તમામ 16 સભ્યો હાલમાં અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા છે અને આવતીકાલે જો ધાર્યું ધણીનું નહિ થાય તો આ 16 સભ્યો પોતાની મરજી મુજબ નવા સુકાનીઓ નક્કી કરશે સાથો સાથ નારાજ સભ્યો આમ આદમી પાર્ટીનો હાથ પકડે તેમ હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

- text