પ્રાથમિક સુવિધા નહિ તો મત નહિ! મોરબીની સુદર્શન સોસાયટીના રહીશો દ્વારા ચુંટણી બહિષ્કારની ચીમકી

- text


ચૂંટણી પૂર્વે ભૂગર્ભ, રોડ-રસ્તા અને પાણી, સ્ટ્રીટલાઇટની સમસ્યા ઉકેલવા માંગ

મોરબી : મોરબીમાં લીલાપર-કેનાલ રોડ પર આવેલ સુદર્શન સોસાયટીમાં રહેતા ખીમજીભાઈ ટી. કાનાણી તથા સોસાયટીના સભ્યો દ્વારા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને રોડ-રસ્તા સાફ કરાવવા તેમજ બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા સહિતના પ્રશ્ન ત્વરિત ઉકેલવા માંગ ઉઠાવી ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી આપી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે સુદર્શન સોસાયટીમાં જયારથી સીમેન્ટ રોડ બન્યો ત્યારે (બે વર્ષ થયા) ભુગર્ભ ગટરની કુંડીમાં જે તે સમયના કોન્ટ્રાકટરોને કહેવા છતાં કુંડીમાંથી કપચી, પત્થર, કચરો નહીં કાઢવાના કારણે ભુગર્ભ ગટર બંધ (જામ) થઈ ગયેલ છે. અને ઉભરાય છે. જેને સાફ કરાવી તેનો નિકળતો કચરો બહાર કાઢી ભૂગર્ભ ગટર પૂર્વવત કરવા માંગ ઉઠાવી છે.

વધુમાં, હાલમાં સ્ટ્રીટલાઈટ પણ બંધ છે, તે ચાલુ કરાવે. તેમજ પાણી સપ્લાય વ્યવસ્થા સુધારે, મચ્છુ નદીમાં પુરતુ પાણી હોવા છતાં, બે, ત્રણ દિવસે પાણી આવે છે. તથા નગરપાલીકા તરફથી ઘરે ઘરે કચરો લેવા માટે વાહન આવે, પરંતુ હમણા ઘણા સમયથી સમયસર એટલે કે દરરોજ કે એક દિવસ પછી પણ નિયમીતપણે આવતો નથી. તો તે વ્યકિત કર્મચારીને ખાસ સુચના આપવા અને સમયસર આવે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, મોરબીમાં જે સીમેન્ટ રોડ બનાવવામાં આવેલ છે, તેમાં મોરબી નગરપાલીકાથી લઈને શનાળા રોડ, જયાં સમય ગેઈટ સુધી, તથા રવાપર રોડ જયાંથી શરૂ થાય છે ત્યાંથી લઈ રવાપર ગામ સુધીમાં રોડ ઉપર રેતી, કચરો, ધુળ એટલી બધી ફેલાયેલ છે, ટુ વિલર નાના વાહનો સ્લીપ થાય છે, અને બાળકોને લઈને જતી બહેનો અને ભાઈઓ પણ સ્લીપ થવાના કારણે પડી જાય છે. તો મોરબીનાં બીજા રોડ સાફ થાય કે ન થાય કમ સે કમ શનાળા રોડ અને રવાપર રોડના બન્ને ડીવાઈડરથી લઈને દુકાનોની હદ સુધી સાફ કરવાની વ્યવસ્થા કરાવવા રજુઆતમાં જણાવ્યું છે.

મોરબી શહેરની તમામ સ્ટ્રીટલાઈટ ખાસ તો રવાપર રોડ, શનાળા રોડ, પાડા પુલ તથા તમામ સ્ટ્રીટની લાઈટ ચોવીસ કલાક ચાલું હોય છે. એક તરફથી સરકાર વિજળીનો બચાવ કરવાનું કહે છે. ત્યારે મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર કે જવાબદાર અધિકારીની કોઈ જ જવાબદારી નથી ? કે લાઈટ દિવસે બંધ કરાવવા વ્યવસ્થા કરાવે?

હાલમાં જ ચુટણી સંદેશા માટે બધા જ પક્ષો (કોગ્રેસ, ભાજપ કે અન્ય પક્ષ) મોરબીની પ્રજા પાસે મત માંગવા આવે છે. તો ઉપર જણાવેલ કામ થતાં નથી. અને પ્રજા પાસે મત માંગવા આવો છો તો શરમ નથી આવતી? જો અત્યારે ઉપર મુજબના કામ કરાવી શકતા નથી. અને પાંચ વર્ષ માટે વાયદા વચન પ્રજાને આપો છો. ચૂંટણી જીત્યા પછી શું કામ કરવાના છો? તેવો સવાલ ઉઠાવી આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

અને રજૂઆતના અંતે નગરપાલીકાને તથા જે તે સતા ઉપરના શાસક પક્ષ કે વિપક્ષોને જાણ કરવાની કે, જો ઉપર મુજબના કામ ચુંટણી પહેલા નહીં કરવામાં આવે તો સોસાયટીના સભ્યો તથા આજુબાજુની સોસાયટીના સભ્યોને ચુંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે. જેની ગંભીરપણે નોંધ લઈ અને સત્વરે
દર્શાવેલ કામ પુરા કરવા ચીમકી આપવામાં આવી છે.

- text