મોરબી : અયોધ્યા રામમંદિર માટે આર્થિક યોગદાન આપતા રામભક્તો

- text


મોરબી : ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ પામી રહ્યું છે. આ નિર્માણ કાર્યમાં અનેક લોકો ભાવનાત્મક રીતે જોડાઈને આ રામમંદિર સૌનું છે તેવું અનુભવી રહ્યા છે અને યથાશક્તિ આર્થિક યોગદાન આપી રહ્યા છે.

અયોધ્યા રામમંદિર નિર્માણ માટે યુવાને પ્રથમ પગાર અર્પણ કર્યો

મોરબીમાં કુબેરનાથ શેરીમાં રહેતા યુવાન રાજવીરસિંહ અજીતસિંહ ચૌહાણે લોકડાઉન દરમિયાન પિતાને ગુમાવ્યા બાદ પરિવાર પર આવેલ આર્થિક સંકટ હોવા છતાં નિધી સમર્પણ અભિયાનમાં તો સક્રિય રહ્યા છે. તેમજ તેઓએ નોકરી મેળવીને જીવનનો પ્રથમ પગાર ભગવાન શ્રીરામના મંદિર માટે અર્પણ કર્યો છે. અને જીવનમાં રામમંદિરના કાર્યમાં સહકાર આપવાના સૌભાગ્ય મળવા બદલ તેઓ ગૌરવાન્વિત થયા હોવાનું જણાવ્યું હતું. તેમજ નોકરી ના મળી હોત તો મજૂરી કરીને પણ પહેલી કમાણી રામ જન્મભૂમિમા આપવાનો સંકલ્પ કર્યો હોવાનું યાદીમાં જણાવ્યું હતું.

મોરબીના ગાયત્રીનગરના બાળકો અને વડીલોએ મળી રામમંદિરમાં આર્થિક યોગદાન આપ્યું

મોરબીના રવાપર રોડ પર નરસંગ ઉપનગરમાં સમાવિષ્ટ ઉમિયાનગર વસ્તીમાં આવેલ ગાયત્રીનગર-2માં રહેતાં બાળકો શિવ રાજપરા તથા વ્યોમ કુંડારીયા એ સામાજિક હેતુ માટે નિધિ એકત્રિત કરેલ હતી. ત્યારબાદ કોરોનાનો સમય આવતા તે નિધિનો ઉપયોગ થઈ શકેલ નહીં. આથી, આ બાળકોએ આ નિધિ તથા પોતાની બચતપેટીની રોકડ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ હેતુ માટે સમર્પણ કરવાની ઈચ્છા ગાયત્રીનગરમાં રહેતા રેવન્યુ વકીલ મંડળ-મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરાને વ્યક્ત કરી હતી.

- text

તેમણે પોતાની નિધિ તથા તેમની ઓફિસમાં રાખેલ દાનપેટીની નિધિ તથા હરગોવિંદભાઈ કુંડારીયા એ તેમાં પોતાની નિધિ ઉમેરી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ હેતુ નિમિત્તે કુલ રૂ. ૫,૫૫૫/-ની નિધિ સમર્પણ કરી હતી. આ અવસરે તેઓએ એવી ભાવના વ્યક્ત કરી હતી કે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર એવું ભવ્ય બને કે સમગ્ર વિશ્વના હિંદુઓની આસ્થાનું કેન્દ્ર સ્થાન બની રહે. આ તકે લલિતભાઈ ભાલોડીયા, વિપુલભાઈ અઘારા, મહેશભાઈ બોપલીયા, ડૉ. નિલેશભાઈ ભાડજાએ ઉપસ્થિત રહી બાળકોના સતકાર્યને બિરદાવ્યુ હતું.

મોરબીની સોસાયટીમાં રહીશો પાસેથી ફાળો ઉઘરાવી સેવા કરતા બાળ કાર્યકર્તાઓ

મોરબીમાં શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સમીતીના માર્ગદર્શન હેઠળ બાળ કાર્યકર્તા વિશ્વરાજસિંહ ચંપકસિંહ રાણા, દીપગીરી ધર્મેશગીરી ગૌસ્વામી તથા હિમાંશુ રામાનૂજએ આનંદનગર, ગુલાબનગર અને શ્રીજી પાર્ક સોસાયટીમાં ફરીને રહીશો પાસેથી દાનની નિધીનો સ્વીકાર કર્યો હતો. આમ, બાળકોએ રામભક્તિનો પરિચય આપ્યો હતો.

- text