એકવીસમી સદીમાં પણ ફાનસ સાથે જીવતા માળીયા નગરપાલિકાના રહેવાસીઓ

- text


32 હજારની વસ્તી ધરાવતા માળીયાના વાંઢ વિસ્તારમાં 70 ટકા ઘરોમાં લાઈટ જ નથી!

2006માં અસ્તિત્વમાં આવેલી નગરપાલિકા કરતા ગ્રામપંચાયત સારી સુવિધા આપતી હોવાનો પ્રજાજનોનો સુર

ગંદકી, વરસાદી પાણી નિકાલનો અભાવ સહિતની અનેક સમસ્યાનો ઉકેલ શોધવામાં શાસકો અને પાલિકાતંત્ર નિષ્ફ્ળ

મોરબી : સામાન્ય ગ્રામ પંચાયતના શાસનમાં પણ લોકોને પાણી,ગટર,સફાઈ અને લાઈટ જેવી સુવિધા પ્રાપ્ય બને છે પરંતુ મોરબી જિલ્લાના માળીયા મી. શહેરમાં 15 વર્ષથી પાલિકા અસ્તિત્વમાં આવવા છતાં રાગદ્વેષ પૂર્વક માળિયાના નગરજનોને ઉપરોક્ત પાયાની સુવિધા મળવી દિવાસ્વપ્ન બન્યું છે, સરકારે માળિયાને પાલિકાનો દરરજો તો આપ્યો છે પરંતુ કાયમી સ્ટાફની નિમણુંક ન કરાતા હાલ એક માત્ર પટ્ટાવાળા અને ચીફ ઓફિસરના સથવારે પાલિકાનું ગાડું ગબડી રહ્યું છે જો કે,આઉટ સોર્સીંગ કર્મચારીની ફૌજ પ્રજાના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવી શક્યા નથી. ચોંકાવનારી વાત તો એ છે કે 32 હજારની વસ્તી ધરાવતા માળીયા શહેરના પોણાભાગના વાંઢ વિસ્તારમાં 70 ટકા ઘરમાં આજે પણ વીજ કનેક્શન નથી અને લોકો હજુ પણ ફાનસ યુગમાં જીવી રહ્યા છે.

માછીમારી, મીઠું પકાવવું અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ માળિયાના પ્રજાજનોના લલાટે પાયાની સુવિધા માટેની લકીર જ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે વર્ષ 2006માં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવતા માળિયાની પ્રજાને લાઈટ,પાણી,સફાઈ સહિતની સુવિધા મળશે તેવી આશા બંધાઈ હતી પરંતુ આઝાદીકાળથી અત્યાર સુધીમાં પ્રજાની મહેચ્છા મનમાં જ રહેવા પામી છે હાલમાં માળીયા શહેરની વસ્તી 32000ને પાર કરી ગઈ છે પરંતુ હજુ સુધી માળીયાને બસ સ્ટેન્ડ પણ નસીબ થયું નથી ઉપરાંત શહેરમાં પણ પાકા આંતરિક રસ્તાઓ આપવામાં સ્થાનિક પાલિકા તંત્ર નિષ્ફ્ળ રહ્યું છે.

મુખ્યત્વે લઘુમતિ વસ્તી ધરાવતા માળીયા શહેરમાં સરકારી સુવિધાઓનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે અને એટલે જ તો અહીં સરકારી શાળાઓ તો ઠીક સરકારી કચેરીઓમાં પણ મોટાભાગની જગ્યાઓ ખાલી -ખાલી પડી છે,અહીંની સરકારી હોસ્પિટલ,તાલુકા પંચાયત,મામલતદાર કચેરી,હોસ્પિટલ સહિતના સરકારી વિભાગો નામ પૂરતા જ છે. અહીં કાયદો વ્યવસ્થાની અમલવારી માટે સ્વતંત્ર પોલીસ મથક આવેલું છે પરંતુ ક્યારેય અહીંનો ફોન ચાલુ જ ન હોય ઇમરજન્સી વખતે લોકોને રૂબરૂ દોડવું પડે છે.

નગરપાલિકાના ચાર વોર્ડમાં અંધારા

માળીયા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચાર વોર્ડમાં ગામડાથી પણ બદતર સ્થિતિ છે.વોર્ડ નંબર 1,2,4 અને 6માં વાંઢ વિસ્તાર આવેલ છે જ્યાં લાઈટની સુવિધા જ નથી અને વીજ કનેક્શન માટે હાઇકોર્ટમાં પણ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ ગંભીર બાબતે માળીયા વીજ કચેરીના ડે.ઈજનેર હડીયલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે 2016-17માં વીજ કનેક્શન ન હોય તેવા ઘરો માટે સોલાર કનેક્શન અપાયા છે જો કે આ વિસ્તારમાં વીજ થાંભલા છે કે કેમ તે અંગે કોઈ જાણકારી તેમની પાસે ન હોવાનું અને હાલમાં કેટલા ઘર વીજ કનેક્શન વગરના છે તે માટે સર્વે ચાલુ હોવાનું જણાવ્યું હતું.

- text

પ્રજા શુદ્ધ પીવાનું પાણી અને રોડ રસ્તા ઝંખે છે : સામાજિક કાર્યકર

માળિયાના સામાજિક કાર્યકર ઓસમાણભાઈ જેડાએ પાલિકા વિસ્તારની મુખ્ય સમસ્યા જણાવતા કહ્યું હતું કે ભૂકંપ બાદ માળિયાનું બસસ્ટેન્ડ ખોવાઈ ગયું છે,જે સરકાર જલ્દીથી શોધી આપે તેવી માર્મિક ટકોર કરી તેમને જણાવ્યું હતું કે પાલિકાના શાસકો પાસેથી લોકો ફક્ત પીવાનું શુદ્ધ પાણી નિયમિત રીતે મળી રહે અને સારા રોડ રસ્તા બનાવી આપવામાં આવે તો પણ સારું છે ઉપરાંત માળિયાના વાંઢ વિસ્તારમાં લોકોને વીજ કનેક્શન આપવાનો પ્રશ્ન પણ ઉકેલાય તેવી માંગ ઉઠાવી હતી.

પ્રજાને સુવિધા આપવાની કોંગ્રેસના શાસકોમાં ઇચ્છાશક્તિ જ નથી : શહેર ભાજપ ઉપપ્રમુખ

માળીયા ભાજપના ઉપપ્રમુખ ઝુલ્ફીકારભાઈ સંઘવાણીએ માળિયાની પ્રવર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી માળીયા નગરપાલિકામાં કોંગ્રેસનું જ શાસન છે જેથી લોકોને પાયાની પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી કોંગ્રેસની છે પરંતુ અહીં કોંગ્રેસની નેતાગીરી પ્રજાજનોને સારા રોડ રસ્તા,લાઈટ પાણીની સુવિધા મળે તેવી કામગીરી કરવામાં નિષ્ફ્ળ નીવડ્યા છે ઉલટું માળીયા ભાંગી પડે તેવી જ રાજનીતિ કરી રહ્યા હોવાનો આરોપ તેમને લગાવ્યો હતો.

પાલિકામાં કોંગ્રેસ શાસનના કારણે ભાજપ સરકારનો અન્યાય : કોંગ્રેસ પ્રમુખ

મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ઘરાવતા માળીયા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું શાસન છે જેના કારણે ભાજપ સરકાર માળીયાને અન્યાય કરી રહી હોવાનો આરોપ માળીયા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઇ જેડાએ લગાવ્યો છે, તેમને જણાવ્યું હતું કે ભાજપ સરકાર અન્યાયી વલણ અપનાવતી હોવાથી માળીયાને સરકારી ગ્રાન્ટનો લાભ મળતો નથી દરવર્ષે અહીં મચ્છુનદીના પૂરના પાણી ફરી વળતા હોવા છતાં પૂર સરંક્ષણ દિવાલ બનવવા જેવી કામગીરી પણ શક્ય બની નથી ઉપરાંત સરકાર કાયમી ચીફ ઓફિસર પણ નિમતી ન હોવાનું જણાવ્યું હતું.

માળીયા પાલિકામાં મતદારો

માળીયા નગરપાલિકામાં કુલ 6 વોર્ડ આવેલા છે અને 24 બેઠકોનો સમાવેશ થાય છે.માળીયા નગરપાલિકા વિસ્તારમાં કુલ 10211 મતદારો નોંધાયેલા છે જેમાં 5350 પુરુષ અને 4861 સ્ત્રી મતદાર છે. માળીયા નગરપાલિકાની ગત ચૂંટણીમાં થયેલ મતદાનના આંકડા જોઈએ તો વર્ષ 2010માં 64.84 ટકા મતદાન થયેલ હતું જેમાં ભાજપને 3 અને કોંગ્રેસને 17 તેમજ એનસીપીને એક બેઠક મળી હતી. જયારે 2015માં 62.21 ટકા મતદાન થયેલ જેમાં ભાજપને 10 અને કોંગ્રેસને 14 બેઠકો મળી હતી.

- text