જાણવા જેવું : આજે વિશ્વ કઠોળ દિવસ, તંદુરસ્તી માટે કઠોળ ખાવા છે ગુણકારી

- text


આજે 10 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કઠોળ દિવસ. કઠોળના મહત્વને વધારવા માટે વર્ષ 2016ને આંતરરાષ્ટ્રીય કઠોળનું વર્ષ જાહેર કરાયું હતું. આ પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 10 ફેબ્રુઆરીને વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. પોષણયુક્ત કઠોળનો આહાર સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે.

પાક ફેરબદલી તરીકે કઠોળને ખેતીની બે મોસમ વચ્ચે વાવવામાં આવે છે. જેથી, તેનાં મૂળમાં રહેલા (રાઈઝોબીયમ નામના) જીવાણું હવામાંના નાઇટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરીને જમીન ફળદ્રુપ કરે છે. મગ, મઠ, ચણા, વાલ, અડદ, રાજમા, સોયાબીન વગેરે કઠોળના ઉદાહરણ છે.

કઠોળ ખાવાના ફાયદા

કઠોળ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. કઠોળ ખાવાથી લોહી શુદ્ધ થાય છે. પાચન તંત્રની સમસ્યા દૂર થાય છે. હાડકા મજબૂત બને છે. વજન કંટ્રોલમાં રહે છે. તેમજ વાળની દરેક સમસ્યા માટે કઠોળ ખાવાથી ફાયદો થાય છે.

રાંધેલા કઠોળ કરતા ફણગાવેલા કઠોળ વધુ ગુણકારી હોય છે. ફણગાવેલા કઠોળ કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે. શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે અને શરીરને ઊર્જા પણ આપે છે. દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે.

- text

મગ

‘મગ ચલાવે પગ’ એવી કહેવત છે. મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન, પ્રોટીન, ખનીજ તત્વો ભરપૂર હોય છે. મગએ એક પ્રકારની દાળ જ છે. મગની દાળ કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે કારણ કે મગમાં રહેલો એમીનો ઍસિડ ભરપૂર માત્રામાં હોય છે. ફણગાવેલા મગની સાથે મગનું પાણી પણ તેટલું જ મદદરૂપ છે.

લીલા વટાણા

લીલા વટાણામાં વધારે પ્રમાણમાં વિટામિન હોય છે. જે હાડકા મજબૂત કરે છે. તે ઓસ્ટીયોપોરોસિસ સામે અસરકારક રીતે કાર્ય કરે છે. લીલા વટાણા વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વટાણામાં લો કેલરી અને લો ફેટ હોય છે. લીલા વટાણામાં હાઇ ફાઇબર હોય છે, જે વજન વધવાથી રોકે છે. વટાણામાં એન્ટીઓક્સીડેટ હોય છે. જે શરીરની પ્રતિકારક શક્તિ વધારે છે. લીલા વટાણામાં એવા સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા દેતા નથી.

રાજમા

ગુજરાતીઓમાં રાજમા-ચાવલનું ચલણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રાજમા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. રાજમાને બાફી સલાડ તરીકે પણ ખાઈ શકાય છે. રાજમામાં વિટામિન બી પ્રમાણમાં વધુ હોય છે. જે મગજની કોશિકાઓ માટે ખૂબ જરુરી હોય છે. રાજમામાં પ્રોટીન અને ફાઇબરની પૂરતી માત્રા હોવાથી શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં રાખે છે.

- text