એક સમયે લોટ માંગી નિર્વાહ ચલાવતા મોરબીના રેલકર્મી આજે ઠારે છે સેંકડો લોકોની જઠારાગ્નિ

- text


રેલવેના નિવૃત એન્જીન ડ્રાઈવરે મોરબી સેવાની અલેખ જગાવી : 48 હજાર પેંશન ઉપરાંત 60 હજાર જેટલો કરે છે દર મહિને ખર્ચ

મોરબી: બાલ્યાવસ્થામાં પરિવારની જવાબદારી નિભાવવા લોટ માંગવાનું કઠિન કામ કરનાર મોરબીના નિવૃત એન્જીન ડ્રાઇવરે સેવાનો અનોખી અલેખ જગાવી છે અને હાલમાં પોતાના પેંશન ઉપરાંતની રકમ ખર્ચ કરી સેંકડો લોકોની જઠારાગ્નિ ઠારવાની સેવા પ્રવૃત્તિ અખંડ રીતે કરી રહ્યા છે.

રેલવે વિભાગમાં 40 વર્ષો સુધી ફરજ નિભાવ્યા બાદ મોરબીના વિનોદભાઈ ભાણદાસ નિમાવત છેલ્લે પેસેન્જર ટ્રેનના ડ્રાઈવર (લોકો પાયલોટ) તરીકે જુલાઈ 2019માં નિવૃત થયા. અલબત્ત મોટાભાગના નિવૃત સરકારી કર્મચારીઓ માફક તેઓએ નિવૃત્તિ બાદ આરામ કરવાને બદલે અનોખી સેવા પ્રવૃત્તિ આદરી આ પ્રવૃત્તિ એટલે અન્નદાન એ પણ એકલ દોકલ વ્યક્તિને નહિ પણ સેંકડો ભૂખ્યા લોકોને દરરોજ જમાડવાનો નિત્યક્રમ બનાવી સેવા પ્રવૃત્તિ હાથ ધરી છે.

‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ’ જેવી ઉક્તિઓ ગુંજતી કરનાર અગણિત સંતોએ સૌરાષ્ટ્રની ભૂમિ પર અવતાર ધારણ કર્યો છે. જલારામ બાપા, રણછોડદાસ બાપુ, બજરંગદાસ બાપા જેવા અઢળક સંતોએ આદરેલો અન્નદાનનો સેવા યજ્ઞ હજુ પણ પ્રજ્વલ્લિત છે. ત્યારે સાંસારિક જીવન ભોગવતા, અન્નદાન યજ્ઞના ભેખધારી મોરબીના વિનોદભાઈ નિમાવતે બાલ્યાવસ્થામાં ઘેર ઘેર ફરીને લોટ માંગતા વિતાવી હતી. ૧૨ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. પિતાના રૂપિયા ૧૦૭ના શરૂ થયેલા પેંશનમાં માતા અને નવ ભાઈ-બહેનોનો ગુજારો કરતા આવી સ્થિતિમાં વિનોદભાઈ ઘેર ઘેર લોટ માંગવા જતા અને પરિવારનું ભરણ પોષણ કરતા.

જો કે સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે. ભાઈને નોકરી મળ્યા બાદ ૨૦ વર્ષની ઉંમરે વિનોદભાઈને પણ રેલવેમાં નોકરી મળી. સતત ચાલીસ વરસ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી, સેવા નિવૃત થયા ત્યાં સુધીમાં મચ્છુમાં ઘણા પાણીઓ વહી ગયા હતા. રેલવેના બે પાટા સતત સાથે ચાલતા હોય ત્યારે જ ટ્રેન આગળ વધતી હોય છે એમ વિનોદભાઈ અને તેમના પત્નિ રૂપી બે પાટા પર એમનું જીવન સુખરૂપ ચાલ્યું જતું હતું. બે પુત્રો વેલ સેટ થયા.

જો કે નિવૃત્તિના બે મહિના બાદ જ વિનોદભાઈના પત્નિ ફાની દુનિયા છોડી ગયા. જીવન સફરનો એક પાટો છૂટી ગયો. બીજી તરફ વિનોદભાઈ રેલવેમાંથી નિવૃત થયા અને અંદાજે રૂપિયા ૪૮ હજાર જેટલું પેંશન શરૂ થયું.

બસ… અહીંથી અન્નસેવાનું એન્જીન પણ શરૂ થયું. મોરબીમાં ઘણા લોકોને બે ટંકનું જમવાનું મળતું નથી એ બાબત ધ્યાને આવતા તેઓએ ટિફિન સેવા શરૂ કરી. ક્રમશઃ ટીફીનોની માંગ વધતા શનાળા રોડ પર માધવ માર્કેટ સામે એક મકાન ભાડે રાખી ત્રણ મહિલાઓને સવેતન કામે રાખ્યા. ભોજન માટે વપરાતી દરેક સામગ્રી ઉચ્ચગુણવત્તા વાળી હોય તેનું ખાસ ધ્યાન રાખી, શાકભાજી સહિતની સામગ્રી જાતે જ લઈ આવી જરૂરિયાતમંદોને ટિફિન પહોંચાડવાની કામગીરીથી આત્મસંતોષ મેળવતા વિનોદભાઈ ફૂલ ભાણું પીરસે છે. જેમાં શુદ્ધ દેશી ઘી ચોપડેલી પડવાળી રોટલી, શાક, દાળ-ભાત, છાસ, મીઠાઈ અથવા ફ્રૂટ તેઓનું કાયમી મેનું હોય છે. સપ્તાહમાં ત્રણ દિવસ મીઠાઈ અને ત્રણ દિવસ ફ્રૂટ જરૂર હોય જ.

- text

જાતે જ ટિફિન અને ભોજન સામગ્રીના ડબ્બા લઈને નીકળી પડતા વિનોદભાઈ ગમે તેવા સંજોગોમાં ક્યારેય રજા રાખતા નથી. હાલ ૬૦ જેટલા ભુખ્યાઓને ભોજન કરાવીને જ પરત ફરતા વિનોદભાઈ બાલ્યાવસ્થાના એ દિવસો હજુ ભૂલ્યા નથી જ્યારે તેઓ ઘેર ઘેર ફરીને લોટ માંગતા હતા. તાજેતરમાં આવી પડેલા લોકડાઉન દરમ્યાન એકસો જેટલી રાશનકિટનું વિતરણ કરનાર વિનોદભાઈએ સવાસો શ્રધ્ધાળુ એવી મહિલાઓને બાર દિવસની હરિદ્વારની જાત્રા પણ કરાવી હતી કે જેઓ સ્વંય ક્યારેય જાત્રા કરી શકે એવી આર્થિક સ્થિતિમાં ન હતી.

સેવા પ્રવૃત્તિમાં વિનોદભાઈ પેંશનની તમામ રકમ દર મહિને ખર્ચી નાંખે છે છતાં ક્યારેક પોતાની અંગત બચતમાંથી ખર્ચ કરવામાં પણ તેઓ લેશમાત્ર ખચકાટ નથી અનુભવતા. ૪૮ હજારના મળતા પેંશન સામે દર મહિને અંદાજે રૂપિયા ૬૦ હજારનો ખર્ચ કરતા વિનોદભાઈએ માતાના નામે ટ્રસ્ટ બનાવ્યું છે. સ્વ. શ્રી નર્મદાબેન ભાણદાસ નિમાવત ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચલાવાતા આ ટ્રસ્ટ દ્વારા તેઓ આ સેવા યજ્ઞને વધુ વિસ્તાર કરવા પ્રયત્નશીલ છે. હડાળા-કાગદડી રોડ પર ગરીબ બાળકો માટે તેઓ હાલ એક પ્લેહાઉસ બનાવી રહ્યા છે. જ્યાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ સાથે સંસ્કાર સિંચન કરાવવામાં આવશે.

ટ્રેનનું એન્જીન હંમેશા ચાલુ જ હોય એમ નિવૃત્તિ બાદ પણ સતત સેવાપ્રવૃત એવા વિનોદભાઈ, સુપરહિટ જૂની હિન્દી ફિલ્મ “દોસ્ત”ના પેલા ગીતની સતત યાદ અપાવી રહ્યા છે. જેમાં નિરાશ, હતાશ થયા વિના જીવનના છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહેવાનો પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો છે.
आते है लोग.. जाते है लोग.. पानी के जैसे रेले.. जाने के बाद आते है याद, जिंदगी के वो मेले…. गाड़ी बुला रही है.. सीटी बजा रही है, चलना ही जिंदगी है चलती ही जा रही है।

- text