માળીયા (મી.) તાલુકાના ત્રણ શિક્ષકોની રાજ્ય કક્ષાના રમકડાં મેળા માટે પસંદગી

- text


જિલ્લા કક્ષાના રમકડાં મેળામાં મેદાન મારતા રાજ્ય કક્ષા માટે પસંદગી થઈ

માળીયા (મી.) : બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન થયેલ છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા મોરબી જિલ્લા કક્ષાના રમકડાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઓનલાઈન જિલ્લા કક્ષાના રમકડાં મેળામાં પૂર્વ પ્રાથમિક વિભાગની ઓનલાઈન રમકડાં કેટેગરીમાં કુંતાસી પ્રાથમિક શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણી, પ્રાથમિક વિભાગની ઓનલાઈન રમકડાં કેટેગરીમાં રત્નમણિ પ્રા. શાળા મોટીબરારના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગની ઓનલાઈન રમકડાં કેટેગરીમાં મોટાભેલા પ્રા. શાળાના શિક્ષિકા વિરલબેન મેરજાએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને રાજ્ય કક્ષાના રમકડાં મેળા માટે પસંદગી થઈ છે. જેથી આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાના રમકડાં મેળામાં આ ત્રણેય શિક્ષકો મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

- text

આ તકે આ ત્રણેય શિક્ષકોને માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિપાબેન બોડા, બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી નરેન્દ્રભાઈ નિરંજની તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને મહામંત્રીશ્રી હસુભાઈ વરસડાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text