હડમતીયાના નકલંક ધામમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


ઉત્સાહભેર રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન, સંતવાણી, ગુરુજીની મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : આજની અતિશય દોડધામભરી જીવનશૈલીમાં હૃદય મનને ટાઢક થાય એ રીતે ધાર્મિક કાર્યોથી આધ્યાત્મિક ચેતના જગાવવાની સાથે ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ સૂત્ર સાર્થક થાય તેવી વિરલ સેવાને નિહાળવા માટે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલા નંકલંકધામની લટાર મારવી પડે એમ છે.

સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજના અસ્થાન કેન્દ્ર સમાં નંકલંકધામમાં અખંડ સેવાની જ્યોત સદાય પ્રજ્વલિત રહે છે. સતત ધાર્મિક કાર્યક્રમો અને ગુરુજનોની આધ્યાત્મિક વાણીથી લોકો પરમ શાંતિની અનુભૂતિ કરે છે. ત્યારે ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ સૂત્રને સાર્થક કરવા માટે નંકલંક ધામમાં આજે નંકલંકધામ સેવાયજ્ઞ સમિતિ, સ્વ. ગોપાલભાઈ જેરામભાઈ સવાડિયાના સ્મરણાર્થે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જગ્યાના મહંત મેહુલદાસ બાપુ, જયરાજ નાગજીબાપુ તેમજ સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય કરીને રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો હતો. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પની સાથે સંતવાણી, ગુરુજીની મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો સમાજના લોકોએ તથા ગ્રામજનોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો.

આ રક્તદાન કેમ્પમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને 81 બોટલ રક્ત એકત્રિત થયેલ હતું. દરેક રક્તદાતાઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક અને નકલંકધામ હડમતીયા સેવા યજ્ઞ સમિતિ દ્વારા સન્માનપત્રો આપીને સન્માનિત કર્યા હતા. તેમજ ગત 3 જાન્યુઆરીના રોજ મકનસર મુકામે નકળંક ધામના લાભાર્થે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટના 16 આયોજકોનું સાલ અને સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

રક્તદાન કેમ્પ બાદ મહાપ્રસાદનો.કાર્યક્રમ યોજાયો હતો. આ તકે દરેક ગામોના આગેવાનો ઉપસ્થિત રહીને યુવા કાર્યકરો અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ માસની પૂર્ણિમાની ઉજવણી અને ધ્વજાજી તેમજ મહા પ્રસાદના દાતા તરીખે સ્વ. ગોપાલભાઈ જેરામભાઈ સવાડિયાના સ્માર્ણાર્થે એમના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.

દર માસની પૂર્ણિમાનું આયોજન કરવાનું નક્કી કરેલ હોય તો જે દાતા કે પરિવાર પૂર્ણિમાની ઉજવણીમાં યજમાન તરીકે ભાગ લેવા ઈચ્છતા હોય, તેમને નકલંકધામ હડમતીયા સેવા યજ્ઞ સમિતિનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. જ્યારે સર્વે સમાજના આગેવાનો, રક્તદાતો તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપનાર તમામનો શ્રી નકલંકધામ હડમતીયા સેવા યજ્ઞ સમિતિએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text