ટંકારા : શિક્ષકોએ આચરેલા બોગસ સી.સી.સી. કૌભાંડ મામલામાં તંત્રની કામગીરી સામે સવાલો

- text


ટંકારા શિક્ષક સંઘના આગેવાનોએ આચરેલ સીસીસીના કૌભાંડ મામલે માત્ર છેલ્લા ઈજાફાનું ચલણ ભરાવી ભીનું સંકેલતું તંત્ર : પગારમાં આર્થિક કાપને જીલ્લા શિક્ષણ અધિકારી સોલંકીએ મોટી સજા ગણાવી: નામ પૂરતી નગણ્ય સજા સામે ઉઠ્યા સવાલો

ટંકારા : ઉચ્ચતર સ્થાને બેઠેલા સરકારી બાબુઓએ CCC એટલેકે કોમ્પ્યુટર કૌશલ્ય મેળવવું ફરજીયાત છે. આ માટે સરકારી એવી સ્પીપા સંસ્થામાં વર્ગો ભરીને બા કાયદા પરીક્ષા પાસ કરવી પડે છે. જો કે ટંકારામાં શિક્ષણ સંઘના આગેવાનોએ આ પ્રક્રિયાને કડાકૂટ વાળી સમજી શોર્ટકટ અપનાવી CCC પાસ કર્યાનું ઓનપેપર સાબિત કરી ઉચ્ચતમ પગાર ધોરણો મેળવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ટંકારા તાલૂકામાં શિક્ષક સંઘના આગેવાનો દ્વારા કમ્પ્યુટર કૌશલ્ય (સીસીસીની) પરીક્ષાના ફોર્મ ભર્યા વગર, પરીક્ષા આપ્યા વગર gcvt cccresult સાઈટમાં આપેલ વર્ષ ૨૦૧૩ની રીઝલ્ટની કુલ ૧૨૦ પેઈજની સીટમાથી પેજ નંબર ૩, ૪ અને ૩૫ વાળી રીઝલ્ટ સીટની પ્રિન્ટ કાઢી સાચા નામની જગ્યાએ પોતાના નામ ગોઠવી તાલુકા, જિલ્લા અને લોકલ ફંડ વગેરેમાં લાગવગ લગાડી ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરાવી લીધું હોવાનો ચારેય મહાશયોએ લેખિત સ્વીકાર કરેલ છે. સીસીસીનું વ્યક્તિગત સર્ટી આવતું ન હોય ઓનલાઈન રિઝલ્ટનો લિથો જ આવે છે. એ લિથામાંથી જ પેજ નંબર 3, 4 અને 35ની પ્રિન્ટ કાઢી પોતાના નામ ગોઠવી વર્ષોથી ખોટી રીતે સરકારી નાણાં મેળવી રહ્યાની અને ગંભીર ગુનો કર્યાની ફરિયાદ આધાર પુરાવા સાથે થયા બાદ ઘણો સમય વીતી જવા છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા. ત્યારે હવે મળતી માહિતી મુજબ ગત તા.28 ડિસેમ્બર 2020ના રોજ ચારેય કૌભાંડકારીઓને છેલ્લે મંજુર કરેલ ઈજાફો એટલે કે ઈન્ક્રીમેન્ટ ચલણથી પરત ભરવાનો હુકમ કરેલ છે.

ઉપરોક્ત ચલણમાં સિક્કો તાલુકા વિકાસ અધિકારીનો છે અને સહી અન્ય કોઈની હોય એવું માલુમ પડે છે. સિક્કા અને સહીનો દુરઉપયોગ કરવો એ પણ એક ગુનો હોવા છતાં સ્થાનિક અધિકારી આ કૌભાંડ કરનાર લોકોને છાવરી રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે. આ અંગે તાલુકા શિક્ષણ વિભાગના ગિતાબેનનો ટેલિફોનિક સંપર્ક કરતા તે રજા પર હોવાનુ જણાવી તેના હાથમાં કાઈ નથી એમ કહી વધુ જવાબ આપવાનુ ટાળ્યું હતું. ગોટાળા કરનાર ‘ગુરુજીઓ’ રાજ્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ઉચ્ચ હોદા ધરાવતા હોય ખોટી રીતે ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવી વર્ષ 2013થી તગડો પગાર મેળવી ભયંકર ભ્રષ્ટાચાર આચરેલ હોવા છતાં કોઈ પણ પ્રકારની સજા ન થતા આ મામલે મોટો આર્થિક વ્યવહાર કરી મામલો રફેદફે કર્યો હોવાની શિક્ષણ જગત ઉપરાંત જીલ્લા ભરમાં ચર્ચા ચાલી છે.

- text

આ તમામ બાબતોને લઇ ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન મેદાનમાં ઉતરી તજજ્ઞ વકીલની પેનલ રાખી કાયદાકીય કાર્યવાહી કરવા તખ્તો તૈયાર કર્યો છે. ત્યારે હજી આ મામલે અનેક નવા ફણગા આગામી દિવસોમાં ફૂટશે એવું જણાઈ રહ્યું છે.

- text