રામમંદિર માટે અજય લોરીયાએ રૂ. 21.11 લાખની દાનની સરવાણી વહાવી આપ્યો રામભક્તિનો પરિચય

- text


મોરબીમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ દાન કરવાનો શ્રેય અજયભાઇના ફાળે : ભાજપ દ્વારા કરાયું અજયભાઈનું અદકેરું સન્માન

મોરબી : ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિ એકત્ર કરવાનું કાર્ય દેશભરમાં ચાલુ છે. ત્યારે મોરબીમાં સેવાકાર્ય માટે સદાય અગ્રેસર રહેતા એવા યુવા ઉદ્યોગપતિ અને ભાજપના યુવા આગેવાન અજયભાઇ લોરીયાએ રામકાર્ય અર્થે વ્યક્તિગત રીતે સૌથી વધુ રૂ. એકવીસ લાખના અનુદાનની સરવાણી વહાવી છે. આ આર્થિક યોગદાન આપવા બદલ સાંસદ દ્વારા તેમનું સન્માન પણ કરાયું છે.

વાઘપર ગામના વતની યુવા ઉદ્યોગપતિ અજયભાઈ પોપટભાઈ લોરીયાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અર્થે રૂ. 21,11,111 જેટલી માતબર ધનરાશિનું અનુદાન કર્યું છે. આમ, અજયભાઇએ ધન અર્પણ કરી પોતાની રામભક્તિનો પરિચય આપ્યો છે. આ યોગદાન આપવા બદલ રાધે પાર્ટી પ્લોટ ખાતે ભાજપ અગ્રણીઓની હાજરીમાં કચ્છ વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અગ્રણી મગનભાઈ વડાવીયા અને પ્રદેશ ઉપપ્રમુખ જ્યંતીભાઈ કવાડિયા સહિતના ભાજપના હોદેદારોએ અજયભાઈ લોરીયાનું ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ના જય ઘોષ સાથે સન્માન કર્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે અજયભાઈએ કોરના કાળમાં લોકડાઉન દરમ્યાન હજારોની સંખ્યામાં રાશન કીટ, લાખોની સંખ્યામાં માસ્ક અને સેનીટાઈઝરનું જરૂરિયાતમંદોને વિતરણ કરેલ હતી. અને આ સેવાકાર્યમાં સહયોગ આપનાર એમના સાથીદારોને સોળ જેટલા હોન્ડા બાઈક અર્પણ કરી સાથીઓની સેવાને બિરદાવી હતી. તેમજ તેમણે પુલવામા હુમલામાં તેમજ ઉરી હુમલામાં શહીદ થયેલા સેનાના જવાનોના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈ લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડી શહીદ પરિવારોને 58 લાખ રૂપિયા જેટલી આર્થિક મદદ કરી દેશ પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. વધુમાં, પાકિસ્તાન પ્રત્યે રોષ વ્યકત કરવા પાકિસ્તાનના ધ્વજ વાળી હજારો બોક્સ ટાઈલ્સનું ઉત્પાદન કરી શૌચાલયમાં લગાવવા માટે વિના મૂલ્યે વિતરણ કરેલ હતું. આવા સેવાભાવી યુવાન અજયભાઇએ રામમંદિર માટે રૂ. 21 લાખનું અનુદાન કરી વધુ એક વખત સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય કાર્યોમાં અગ્રેસર રહેતા હોવાનો દાખલો બેસાડ્યો છે.

- text