નાના વીજ ઉત્પાદકો માટે અનેરી તક : નાના સોલાર પ્રોજેકટ દ્વારા ઉત્પાદિત સૌર ઊર્જા રાજ્યની વીજ કંપનીઓ ખરીદશે

- text


પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં નાના વીજ ઉત્પાદકો માટેના રાજ્ય સરકારના નવતર અભિગમને વ્યાપક પ્રતિસાદ

ખેડૂતોની બિનઉપજાઉ કે પડતર જમીનમાં સ્થપાનાર આવા નાના પ્રોજેકટને કારણે ખેડૂત આવક ઊભી કરી શકશેઃ સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો ઉપલબ્ધ થશે


ત્રણ માસના ટૂંકા ગાળામાં રાજ્યભરમાંથી નાના સોલર પ્રોજેકટ માટે કુલ ૫૧૯૨ અરજીઓની નોંધણી થઇ જેની કુલ વીજ ક્ષમતા ૩૫૩૬ મેગાવોટ : ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉપલબ્ધ સૂર્ય પ્રકાશ તથા પવનની પુરતી ઝડપને ધ્યાને લેતાં અહીં પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં વિશાળ તકો રહેલી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે અનેક નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે પુનઃ પ્રાપ્ય ઊર્જામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બિનપરંપરાગત ઊર્જામાં વધારો થાય તે માટે નાના વીજ ઉત્પાદકોને વીજ ઉત્પાદનની પુરતી તકો મળે તે આશયથી રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવીને સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં “સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેકટ નીતિ” અમલમાં મુકવાની જાહેરાત કરી હતી.આ નીતિ રાજ્યમાં સોલાર પાર્કસમાં ભાગ ન લઈ શકે તેવા નાના વીજ ઉત્પાદકો જેવા કે, ખેડૂતો, નાના સાહસિકો, સહકારી મંડળીઓ કે કંપનીઓને સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે અત્યંત આશીર્વાદરૂપ બનવાની છે.આ નીતિ હેઠળ ૫૦૦ કિલોવોટથી ૪ મેગાવોટની ક્ષમતાના નાના સોલાર પ્રોજેકટ માટે નાના વીજ ઉત્પાદકો કે જે મોટા સોલાર પ્રોજેકટ સ્થાપવા સક્ષમ ન હોય તેઓ પોતાની ખાનગી જમીન પર કે ખાનગી જમીન લીઝ પર મેળવી આવા નાના સોલાર પ્રોજેકટ સ્થાપી શકે છે . આ નીતિ અંતર્ગત રાજયભરમાંથી અરજીઓ મંગાવવામાં આવેલ.જેને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે .

- text

આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રીએ જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં રાજ્યભરમાથી ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના ત્રણ માસના ટૂંકા ગાળામાં કુલ ૫૧૯૨ અરજીઓ આ પ્રકારના નાના સોલર પ્રોજેકટ માટે મળી છે જેની કુલ વીજ ક્ષમતા ૩૫૩૬ મેગાવોટ જેટલી થાય છે. જે પૈકી ઉત્તર ગુજરાતમાં ૧૨૮૩ મેગાવોટની ૧૭૬૬ અરજીઓ , પશ્ચિમ ગુજરાતમાં ૧૯૫૫ મેગાવોટની ૨૯૪૫ અરજીઓ , દક્ષિણ ગુજરાતમાં ૧૧૮ મેગાવોટની ૧૬૮ અરજીઓ અને મધ્ય ગુજરાતમાં ૧૮૦ મેગાવોટની ૩૧૩ અરજીઓ મળેલ છે .રાજ્ય સરકારે જાહેર કરેલ આ નીતિ હેઠળ કોઈપણ વ્યક્તિ, ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલ સંસ્થા, ૦.૫ મેગાવોટથી ૪ મેગાવોટ સુધીનો સ્મોલ સ્કેલ પાવર પ્રોજેકટ સ્થાપી રાજ્યની વીજ કંપનીઓને આ ઉત્પાદિત ઊર્જાનું વેચાણ કરી શકે છે. રાજ્યની વીજ કંપનીઓ આ ઉત્પાદિત ઊર્જા ખરીદવા માટે ૨૫ વર્ષના કરાર કરશે. આ ઉત્પાદિત ઊર્જા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા સોલાર પાર્ક સિવાયના પ્રોજેકટ માટે કરવામાં આવેલ બિડીંગ પ્રક્રિયામાં નક્કી થયેલા ભાવથી ૨૦ પૈસા વધુ ભાવે ખરીદવામાં આવશે.

સમગ્ર દેશમાં “સ્મોલ સ્કેલ ડ્રીસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેકટ” નીતિ અમલી કરવામાં ગુજરાત પ્રથમ : ઊર્જા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

ઊર્જા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિ, ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલ સંસ્થા ખાનગી જમીન ધરાવતા હોય તે જમીન ઉપર અથવા પીપીએના સમયગાળા માટે ખાનગી જમીન લીઝ ઉપર લઈ પ્રોજેકટ સ્થાપી કરાર કરી શકે છે. આ પોલિસી હેઠળ કોઈપણ પ્રોજેકટ માટે સરકારી જમીન ઉપયોગ માટે આપવામાં આવશે નહીં. વધુમાં આ યોજના હેઠળ ૪ મેગાવોટથી વધુની ક્ષમતાનો પાવર પ્લાન્ટ સ્થાપી શકાશે નહીં.રાજ્યના ખેડૂતો તેમની બિનઉપજાઉ જમીન ઉપર ખેડૂત પોતે પ્રોજેકટ સ્થાપીને કે જમીનને લીઝ ઉપર આપીને આવક પ્રાપ્ત કરી શકશે. આ પ્રકારના નાના સોલાર પ્રોજેકટ સ્થપાવાના કારણે જે તે વિસ્તારમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે તેમ મંત્રીશ્રી એ ઉમેર્યું હતું.

- text