રાજકોટ રહેતા મોરબીના કોયલી ગામના યુવાનનું ભેદી રીતે અપહરણ

- text


યુવાનના બાઈક અને મોબાઈલ મળી આવ્યા, અપહરણ વિશે પોલીસને હજુ સુધી કોઈ મહત્વની કડી હાથ ન લાગતા બનાવનું કારણ અકબંધ

મોરબી : રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સોસાયટી શેરી નંબર-2 માં રહેતા મૂળ મોરબીના કોયલી ગામના વતની અને શેરબજારના ધંધા સાથે સંકળાયેલા કરણ પુનભાઈ ગોગરા (ઉ.વ. 24) નામના યુવાનનું કોઈ કારણોસર અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાનો રાજકોટમાં ગુનો નોંધાયો છે. આ યુવાનનું અપહરણ થયાને ખાસ્સો સમય વીતી જવા છતાં હજુ સુધી રાજકોટ પોલીસે યુવાનના અપહરણ વિશે કોઈ મહત્વની કડી હાથ લાગી નથી. આથી, બનાવના કારણ અંગે રહસ્ય ઘુંટાઈ રહ્યું છે.

31 ડિસેમ્બરની બપોરના સમયે કરણે પોતાની પત્નીને ફોન કરીને પોતે ઘરે મોડો આવશે એવી જાણ કરી હતી અને અડધો કલાક પછી કરણના પિતરાઈ ભાઈ એભલને કરણના ફોનમાંથી ફોન આવ્યો કે, કરણનું છરીના ઘા ઝીકી કારમાં અપહરણ થઈ ગયું છે. તેના બાઈક અને મોબાઈલ અહીં પડ્યા છે. તાત્કાલિક ન્યારી ડેમ પાસે પહોંચી જાવ. આથી, એભલ તેના પરિચિતો સાથે ન્યારી ડેમ પાસે પહોંચી ગયો હતો. પણ ત્યાં આવું કશું જ મળ્યું ન હતું. આથી, કરણના પરિવારજનોને જાણ કરાઈ હતી. બાદમાં યુવાનના પરિચિતો અને સંબંધીઓને ફોન કરીને તપાસ કરાઈ હતી. પણ યુવાન વિશે કોઈ માહિતી મળી ન હતી.

- text

આ દરમ્યાન કરણના મિત્ર મેટોડામાં રહેતા વિશાલ રાજ્યગુરુએ એભલને ફોન કરીને કહ્યું હતું કે, તારા ભાઈના મોબાઈલ અને બાઈક રસ્તામાં હું નીકળો ત્યારે અવધના ઢાળીયા પાસે જોયા છે. આથી, એભલ ત્યાં જતા કરણનું જી.જે.03 ઇએમ 6552 નંબરનું બાઈક અને બાઇકના આગળના ભાગે રાખેલો મોબાઈલ મળી આવ્યો હતો. આથી, આ બનાવ અંગે રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના કહેવા મુજબ કરણ બે ભાઈમાં મોટો છે અને રાજકોટમાં પત્ની તથા પુત્રી સાથે રહીને શેરબજારનું કામ કરે છે. જો કે આ બનાવમાં યુવાનનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. સીસીટીવી ફુટેજમાં કરણ તેના મિત્ર સાથે ટુ વહીલરમાં કાલાવાડ રોડ તરફ જતો દેખાઈ છે. પરિવારજનોની પૂછપરછ કરતા હજુ સુધી કોઈ ડિમાન્ડ અંગે ફોન આવ્યો નથી. આથી, આ મામલાને ગંભીર ગણી રાજકોટ પોલીસે વિવિધ દિશામાં સઘન તપાસ ચાલવી રહી છે.

- text