ડી.જી.પી. દ્વારા તમામ પોલીસ અધિકારીઓને કાયદો વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવા અપાઇ સૂચના

- text


ભારત બંધના એલાન સંદર્ભે પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા : વિરોધ પ્રદર્શનના નામે શાંતિ ડહોળનારા સામે લેવાશે આકરા પગલાં

મોરબી : છેલ્લાં થોડા સમયથી દિલ્હી ખાતે અમુક ખેડૂતો દ્વારા Farm Actમાં કરવામાં આવેલ સુધારાઓ સંદર્ભે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલ છે. આ અનુસંધાને આજે તા. 8ના રોજ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. આ બંધને અમુક રાજકીય પક્ષો દ્વારા પણ સમર્થન આપવામાં આવેલ છે. હાલમાં જ્યારે કોરોના મહામારી પણ ચાલી રહેલ હોય, ત્યારે આ પ્રકારના વિરોધ પ્રદર્શનને કારણે સંક્રમણ વધુ ફેલાય નહિ અને બંધ અથવા વિરોધ પ્રદર્શનને કારણે જાહેર જનજીવન ખોરવાઈ નહિ તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત અને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં પોલીસને ગઈકાલ સાંજથી જ સ્ટેન્ડ-ટૂ રહેવા આદેશ કરવામાં આવેલ છે. આ સંદર્ભે સમગ્ર રાજ્યમાં CrPC-૧૪૪ મુજબના જાહેરનામા બહાર પાડવામાં આવેલ હોય, જેથી તે અન્વયે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ બંધના કારણે નાગરિકોને કોઇ મુશ્કેલી ન પડે, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે, આવશ્યક સેવાઓ સહિતની અગત્યની સેવાઓ ઉપર કોઈ અસર ન થાય તથા જાહેર રોડ રસ્તા પર ટ્રાફિક સામાન્ય રહે તે પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થા માટે તમામ જીલ્લા/શહેરોમાં વધુમાં વધુ ફોર્સ ડીપ્લોય કરવામાં આવશે. સ્થાનિક પોલીસ ઉપરાંત જ્યાં જરૂર હોય તેવા સ્થળોએ વધારાની SRPની ટૂકડીઓ પણ આપવામાં આવી રહેલ છે. આ ઉપરાંત હોમગાર્ડ જવાનોને પણ જરૂરી સંખ્યામાં ફાળવવામાં આવશે. સંવેદનશીલ સ્થળો અને અગત્યના સ્થાનો ઉપર ફીકસ પોલીસ પોઇન્ટ મૂકવામાં આવશે. તમામ સ્થળો ઉપર સતત પોલીસ પેટ્રોલીંગ રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસને તમામ પ્રકારના Crowd Control અને Riot Control સંશાધનોથી સજ્જ કરવામાં આવેલ છે.

- text

મિડિયાના માધ્યમથી પોલીસ દ્વારા તમામને અનુરોધ કરવામાં આવે છે કે હાલમાં ચાલી રહેલ કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને બંધ અથવા વિરોધ પ્રદર્શનના નામે જાહેર વ્યવસ્થા ખોરવાઈ અથવા કાયદો-વ્યવસ્થાને અસર થાય તેવું કોઈ કૃત્ય કરવું નહિ. ખાસ કરી જો રોડ રસ્તા ચક્કાજામ કરવાના, સરકારી માલમિલકતને નુકશાન પહોંચાડવાના અથવા બળજબરીથી દુકાનો બંધ કરાવવાના પ્રયાસો ધ્યાને આવશે તો તેવું કરનાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવશે. જો કોઇ વ્યક્તિ દ્વારા આવું કોઇ કૃત્ય કે તેવું કૃત્ય કરવાનો પ્રયાસ કરતો વિડિયો સોશ્યલ મિડિયા ઉપર મૂકવામાં આવશે તો તે સંદર્ભે પણ ગુનો દાખલ કરવામાં આવશે.

આ સંદર્ભે 100 નંબર ઉપર અથવા અન્ય પોલીસ હેલ્પલાઇન ઉપર જો પોલીસને જાહેરમાં ગેરકાયદેસર રીતે લોકો ભેગા થયા હોવાની માહિતી મળશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના તમામ જીલ્લાની સરહદ ઉપર નાકા પોઇન્ટ તથા રાજ્યની બોર્ડર ઉપર પણ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલ છે અને તમામ વાહનોનું પણ ચેકીંગ કરવામાં આવી રહેલ છે. જાહેર શાંતિનો ભંગ કરવાના કોઈ પ્રયત્નને ચલાવી લેવામાં આવશે નહિ. જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિરોધના નામ પર સમાજની શાંતિ ડહોળવાનો અથવા કાયદો હાથમાં લેવાનો કોઈ બનાવ બનશે તો આઈ.પી.સી. ઉપરાંત Epidemic Diseases Act, Disaster Management Act, તથા જાહેરનામાં ભંગ બદલના ગુનાઓ દાખલ કરી તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવા તમામ એકમોને સૂચના આપવામાં આવેલ છે.

આ સમગ્ર બંદોબસ્ત ઉપર સીનીયર પોલીસ અધિકારીઓ દ્વારા જાતેથી દેખરેખ રાખવા પણ ડી.જી.પી. દ્વારા આદેશ કરવામાં આવેલ છે. જેથી તમામને વિનંતી કરાઈ છે કે પોલીસને સહ્યોગ આપે અને કોઈપણ પ્રકારે કાયદો-વ્યવસ્થા જોખમાઈ તેવું કોઇ કૃત્ય કરે નહિ. CrPC-૧૪૪ મુજબના જાહેરનામાનો અમલ કરે અને જાહેર સ્થળે લોકો ભેગા ન થાય તે માટે પણ અપીલ કરવામાં આવે છે. કોરોના સંક્રમણ રોકવા માટે પણ પોલીસ દ્વારા સતત આ અંગેના નિયમો, કાયદાઓ અને SOPનું સખ્તાઈથી પાલન કરાવવા માટે સઘન કાર્યવાહી કરાવવામાં આવી રહી છે.

- text