મંગળવારે ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ જોડાશે

- text


કૃષિ કાનૂન રદ કરવાની માંગણીને લઈને દિલ્હીમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આંદોલનને વાંકાનેર યાર્ડનો ટેકો

વાંકાનેર : કૃષિ કાનૂનમાં મુખ્ય ત્રણ બાબતોને લઈને ઉત્તર ભારતના ખેડૂતો છેલ્લા 10 દિવસથી દિલ્હીની ચારે તરફની સીમાઓ સીલ કરી આંદોલન ચલાવી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી, ગૃહમંત્રી સાથેની ખેડૂતોની સમાધાન બેઠકો અનિર્ણાયક રહેતા ભારતના આશરે 31 ખેડૂત સંગઠનોએ તારીખ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ભારત બંધના એલાનને ટેકો જાહેર કરી 8 ડિસેમ્બરને મંગળવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી છે.

- text

કૃષિ કાયદાની વિરુદ્ધમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના ખેડૂતોએ છેલ્લા 10 દિવસથી દિલ્હીની ચારોતરફ મજબૂત કિલ્લેબંધી રચી છે. ખેડૂતો સાથે સરકારની ક્રમબદ્ધ બેઠકો નિષ્ફળ રહી છે. ખેડૂતો સરકાર સાથે હવે કોઈ વાટાઘાટો કરવાના મૂડમાં નથી. ‘યસ ઓર નો’ની વાત પર ખેડૂતો અડગ રહ્યા છે. ત્યારે સરકાર વાટાઘાટો દ્વારા સમસ્યાનો હલ લાવવા પ્રયત્નશીલ છે. બીજી તરફ ઘણા ખેડૂત સંગઠનો સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ પણ કરી રહ્યા છે. કાયદામાં સુધારો કરવાની વાતના હિમાયતી ખેડૂત સંગઠનો પણ જો કે કાયદો રદ કરવાની માંગણી પર મોટેભાગે અડગ જ છે. 9 ડિસેમ્બરે હજુ એક મંત્રણા બેઠકનું આયોજન નક્કી છે. પણ એ પૂર્વે 8 ડિસેમ્બરે જગતતાતનું શક્તિ પ્રદશન દર્શાવી દેવા માટે ખેડૂત સંગઠનોએ ભારત બંધનું જાહેર કરેલું એલાન યથાવત રાખ્યું છે. જેને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા સમર્થન આપવામાં આવતા 8 ડિસેમ્બરને મંગળવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે એમ એ.પી.એમ.સી. વાંકાનેર યાર્ડના ચેરમેનને યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશને લેખિતમાં જણાવ્યું છે. આ આંદોલનને બિનરાજકીય ટેકો છે એવું પણ અંતમાં માર્કેટિંગ યાર્ડ કમિશન એસો. વાંકાનેરે જણાવ્યું હતું.

- text