હળવદ અકસ્માત : પરિવારે કદાચ શ્યામની સારવાર અમદાવાદ સિવિલમાં જ કરાવી હોત તો ત્રણના જીવનદીપ ન બુઝાત!

- text


 

ગંભીર રીતે દાઝી ગયેલા 14 વર્ષીય શ્યામને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોઈ ફેર ન પડતા ત્યાંની જ સિવિલમાં સારવાર લેવાનો પરિવારે નિર્ણય લીધો, પણ તે નિર્ણય રદ કરી પોતાના વતનમાં લઈ આવતા હતા તે દરમિયાન સર્જાઈ દુર્ઘટના

હળવદ : હળવદ નજીક ત્રણના ભોગ લેનારા એમ્બ્યુલન્સના અકસ્માતથી ભારે કરૂણાંતિકા સર્જાઈ છે. પરિવારે કદાચ જો અમદાવાદ સિવિલમાં જ સારવાર કરાવવાનો નિર્ણય લીધો હોત તો ત્રણ લોકોના જીવનદીપ બુઝાયા ન હોત. પણ કુદરતની ગોઠવણ પણ જાણે એવી હતી કે પરિવારે અમદાવાદની સિવિલમાં જ શ્યામની સારવાર લેવાનો નિર્ણય લીધો હતો. પણ ફરી નિર્ણય બદલાવી તેના વતનમાં લઇ જઇ રહ્યા હતા. અને રસ્તામાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

બનાવની મળતી માહીતી મુજબ માંડવીના ઉનડઠા ગામના 14 વર્ષીય શ્યામ વાલજીભાઈ ગઢવી નામનો કિશોર ગત.28 નવેમ્બરના રોજ વાડીએ ગયો હતો અને વાડી પરથી પસાર થતી પવનચકકીના ખુલ્લા વીજ વાયરમાંથી કરંટ લાગતા સગીર ગંભીર રીતે દાઝી ગયો હતો. જે બાદ તેને માંડવી સિવિલ હોસ્પિટલમાં બાદમાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જો કે અમદાવાદમાં પણ સારવાર કારગત ન નીવડતી હોવાથી તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો પણ અંતે આ નિર્ણય બદલીને તેને પોતાના વતનમાં જ સારવાર લેવડાવવાનો નિર્ણય લઈ એમ્બ્યુલન્સમાં બાળકના પિતા, દાદા અને મામા અને અન્ય સબંધી તેને પરત લાવી રહ્યા હતા.

- text

આ દરમિયાન હળવદના ધનાળા પાસે શુક્રવારે રાત્રીના સમયે અચાનક ચાલક પિન્ટુભાઈએ કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ડિવાઈડર કુદાવી ધડાકાભેર રોંગ સાઈડમાં ઘુસી જઈ પલટી ગઈ હતી.ઘટનામાં સગીર શ્યામના પિતા વાલજીભાઈ કાનીયાભાઈ ગઢવી(ઉ.વ.40) દાદા કાનીયાભાઈ પબુભાઈ ગઢવી (ઉં.વ. 61) તેમજ તેના મામા વસંતભાઈ હરિભાઈ ગઢવી(ઉ.વ.25) આ ત્રણને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યા હતા. જ્યારે એમ્બ્યુલન્સ ચાલક પિન્ટુભાઈ કાનજીભાઈ અનેં રામભાઈ નારાયણભાઈ ગઢવી નામની વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.

14 વર્ષનો શ્યામ વાડીએ ગયો અને દાઝયો હતો

9માં ધોરણમાં ભણતો શ્યામ ગત.28મીના રોજ વાડીએ ગયો હતો. વાડી ઉપરથી પસાર થતા પવનચક્કીના ખુલ્લા વાયરમાંથી કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતા અમદાવાદ સારવાર ખસેડાયો હતો. અકસ્માતમાંમાં તેનો આબાદ બચાવ થયો હતો પણ આ દુર્ઘટના એ તેના પિતા દાદા અને મામાને છીનવી લીધા હતા.

- text