ઘુંટુ ગામે સ્કૂલમાં વાવેલા વૃક્ષોને કોઈએ આગ લગાડી સળગાવી દેતા ભારે રોષ

- text


પર્યાવરણને હાનિ પહોંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ

મોરબી : મોરબીના ધુંટુ ગામે આવેલી સ્કૂલમાં વાવેલા વૃક્ષોને કોઈ પર્યાવરણ વિરોધી તત્વોએ આગ લગાડીને સળગાવી દેતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલે પર્યાવરણ વિરોધી તત્વોના આ કૃત્યને વખોડી કાઢીને પર્યાવરણને હાનિ પહોંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મોરબીના ઘુંટુ ગામે આવેલ શ્રીમતી સી. એન. પટેલ વિદ્યાલયના પ્રિન્સિપાલે લેખિતમાં જણાવ્યું હતું કે તેમની સ્કૂલને લીલીછમ હળીયાળી બનાવી પર્યાવરણનું જતન કરવાના શુભ આશયથી અગાઉ વિધાર્થીઓ સહિતના સમગ્ર સ્કૂલ સ્ટાફની મહેનતથી આ સ્કૂલના કેમ્પસમાં 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ કોઈ પર્યાવરણ વિરોધી તત્વોએ આ સ્કૂલના પર્યાવરણનું જતન કરવાના પ્રયાસો પર પાણી ફેરવી દીધું હતું. જેમાં કોઈ અજાણ્યા શખ્સોને કદાચ આ વૃક્ષોથી પેટમાં તેલ રેડાયું હોય તેમ શ્રીમતી સી.એન.પટેલ વિધાલયના કેમ્પસમાં વાવેલા વૃક્ષોમાં આગ લગાડી દીધી હતી. જેથી, 10થી 12 વૃક્ષો સળગી ગયા છે. આ ઘટનાથી સ્કૂલ મેનેજમેન્ટમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં વૃક્ષો સળગાવવા પાછળ કોઈ અંગત કારણ જવાબદાર છે કે કેમ તે બાબતે પોલીસ તપાસ કરે એ જરૂરી છે.

- text

- text