નવા ઉમંગ, જોશ અને આશા સાથે મોરબીવાસીઓએ હર્ષોલ્લાસભેર કરી બેસતાવર્ષની ઉજવણી

- text


કોરોના સામે સાવચેતી રાખીને દરેક લોકોએ પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનોને નુતનવર્ષાભિનંદન કહીને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી

સોશિયલ મીડિયા ઉપર નૂતનવર્ષાભિનંદનના મેસેજનો વરસાદ થયો, મોટાભાગના સ્નેહ મિલનો મોકૂફ રહ્યા પણ નવા વર્ષને ઉમળકાથી વધાવવાની પરંપરા અખંડિત રહી

મોરબી : આજથી મોજીલી અને ખમીરવંતી ગુજરાતી પ્રજાના નવા વર્ષનો શુભારંભ થયો છે.નવી આશા ,નવી ઉમંગ અને નવા જોશ સાથે નૂતન પ્રભાતનો મંગલમય ઉદય થતા જ લોકોના મનમાં નવી ચેતનાનો સાચર થયો છે.કોરોનાના અંધકારને નૂતન પ્રભાતની નવી ઉર્જા દેશવટો આપશે એવી આશાઓ સાથે આજે સમગ્ર મોરબીવાસીઓએ બેસતા વર્ષની હસીખુશી સાથે ઉજવણી કરી હતી. કોરોના સામે સાવચેતી રાખીને દરેક લોકોએ પોતાના પરિવાર ,સગા સંબંધીઓ, મિત્રો,સ્નેહીજનોને સાલ મુબારક કહીને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અને સોશિયલ મીડિયા ઉપર નૂતન વર્ષાભિનંદનના મેસેજનો વરસાદ થયો છે.મોટાભાગના સ્નેહ મિલનો મોકૂફ રહ્યા પણ નવા વર્ષને ઉમળકાથી વધાવવાની લોકો પરંપરા અખંડિત રહી છે.

મોરબીમાં ભીતરમાંથી અંધકાર દૂર કરીને આશાની દીપ પ્રજ્વલિત કરનાર તેજોમય પ્રકાશના મહાપર્વ દીપોત્સવીને લઈને લોકોમાં અનેરો ઉમગ ઉલ્લાસ જોવા મળ્યો છે. દિવાળીના તહેવારોને લઈને દરેક લોકોના અંતર મનમાં ખુશીઓ છવાઈ ગઈ છે.કોઈએ પરિવાર મિત્રો ,સગા સબધી સાથે દિવાળી મનાવી તો કોઈએ અભાવોને કારણે હંમેશા તહેવારોની ખુશીઓથી દુર રહેતા બાળકો સહિતના જરૂરિયાત મંદોને ફટાકડાની કીટ તથા ભાવતા ભોજનીયા કરાવીને તેમના જીવનમાં દિવાળીની ખુશીઓના ઉમગનો રંગ ભરી દીધો હતો.કોરોના મહામારી વચ્ચે પણ દરેક મોરબીવાસીઓમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીનો કઈક અલગ જ મિજાજ જોવા મળ્યો હતો.જોકે આગલા વર્ષોની સરખામણીમાં આ વખતે ફટાકડા સહિતની ચીજવસ્તુઓની થોડી ઓછી ખરીદી થઈ છે.પણ બજારોમાં જે ખરીદીનો કરન્ટ જોવા મળ્યો તે આફતને અવસરમાં ફેરવી દેનાર મોરબીવાસીઓના ઉત્સાહની દેન છે.

- text

શનિવારે દિવાળીની ધૂમધડાકા ભેર ઉજવણી કરવામાં આવી હતી.જોકે આ વખતે તિથિઓને કારણે લોકોમાં અસમજતા હતી.તેથી ઘણા લોકોએ શનિવારે દિવાળી ઉજવી હતી અને રવિવારે પડતર દિવસ તરીકે ધોકા રૂપે પણ દિવાળીની ઉજવણી થઈ હતી.આજે સોમવારે એકંદરે મોટાભાગના લોકોએ નૂતન વર્ષની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.વહેલી સવારે લોકો ઉઠી જઈને સ્નાન કરી નવા કપડાં પહેરીને પૂજાવિધિ કર્યા બાદ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.યુવાનો અને બાળકોએ પણ પરંપરા જાળવીને પોતાના માતા-પિતાના ચરણસ્પર્શ કરીને ભાવ વંદના કરી હતી.તેમજ ઘરના વડીલોએ પોતાના સંતાનોને પરંપરા મુજબ શુકન રૂપે બક્ષિસ પણ આપી હતી.દરેક લોકોએ મુખવાસ અને મીઠાઈથી એકબીજાના મો મીઠા કરાવીને સાલ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી. કોરોનાને લઈને વિવિધ જ્ઞાતિ ,સમાજના સંગઠનો અને સંસ્થાઓ સહિતનાના સ્નેહ મિલનો મોકૂક રહ્યા હતા પણ નવા વર્ષના રામ રામ કરવાની વર્ષોની આત્મીય પરંપરામાં ઓટ આવી ન હતી.

- text