અગિયાર નવેમ્બરે મોરબીના વિકાસની નવી રૂપરેખા આલેખાશે : આઈ.કે.જાડેજા

- text


મોરબી બેઠકના ભાજપના પ્રભારી આઈ.કે.જાડેજા સાથે વિશેષ વાતચીત..જુઓ વિડિઓ

મોરબી અપડેટ સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં આઈ. કે. જાડેજાએ મોરબીના ભવિષ્યની રૂપરેખા વર્ણવી

મોરબી બેઠકના ભાજપના પ્રભારી અને પ્રદેશ ભાજપના આગેવાન આઈ.કે.જાડેજાનો ઇન્ટરવ્યૂ

મોરબી : આજે રવિવારે સાંજે 5:00 કલાકે ૬૫ મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે એ પહેલા મોરબીના પ્રભારી એવા આઇ.કે.જાડેજાએ મોરબી અપડેટને એક્સ્ક્લુઝીવ મુલાકાત આપી હતી. આ દરમિયાન તેઓએ આવનારા ભવિષ્ય માટે રૂપાણી સરકારનું વિઝન સ્પષ્ટ કર્યું હતું. પાછલા ૨૦ દિવસથી આઇ.કે.જાડેજાએ મોરબીમાં પડાવ નાખ્યો છે ત્યારે રાજ્ય તેમજ કેન્દ્રમાંથી પ્રચાર અર્થે આવતા તમામ નેતાઓ સાથે તેઓએ જાહેર સભાઓ સંબોધી હતી અને વિવિધ સમાજના આગેવાનો, વ્યાપારી સંગઠનો, ઔદ્યોગિક સંગઠનો, ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનોના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી હતી. આજે રવિવારે મોરબી અપડેટ સાથે થયેલી વાતચીતમાં તેઓએ પુછાયેલા તમામ પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આપ્યા હતા.

“છેલ્લા ૨૦ દિવસના ચૂંટણીપ્રચાર પ્રવાસ દરમિયાન ભાજપ તરફી લોકજુવાળ જોતા બ્રિજેશ મેરજાની ખૂબ મોટી લીડથી જીત થવા જઈ રહી છે” એમ જણાવતાં આઇ.કે.જાડેજા એ કહ્યું હતું કે, મોરબીના વિકાસમાં ક્યાંકને ક્યાંક થોડી ઘણી કચાશ રહી ગઈ છે જે આવનારા સમયમાં પુરી કરી લેવામાં આવશે. ખાસ કરીને મોરબી શહેરના માળખાગત વિકાસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના રોડ-રસ્તાઓની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યા, સ્વચ્છતાની સમસ્યા હવે આવનારા સમયમાં સદંતર ભૂતકાળ બની જશે. મોરબી શહેરનો સિરામિક ઉદ્યોગ જ્યારે દેશમાં અને વિદેશમાં અગ્રેસર થવા જઇ રહ્યો છે ત્યારે ભારતના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિશ્વના અલગ-અલગ દેશોમાંથી આવતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓને કારણે મોરબીમાં હોટલ બિઝનેસ પણ ખૂબ ફૂલ્યોફાલ્યો છે. ત્યારે બહારથી આવતા લોકોમાં મોરબીની સારી છબી ઉપસે તે માટે માળખાગત સુવિધાઓને સુધારવા ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે.

- text

પક્ષ પલટો કરેલા ઉમેદવારને સ્વીકારવા બાબતના એક સવાલના જવાબમાં આઇ.કે.જાડેજા જણાવ્યું હતું કે, બ્રિજેશ મેરજાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા અને રાજ્યસભામાં વિવિધ બીલો પાસ કરવામાં ઘટતી સંખ્યાની આપૂર્તિ કરવા માટે કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. ખાસ કરીને પી.એમ. મોદીની વૈશ્વિક વિભાવનાઓ અને બંધુત્વની ભાવના તેમજ સંવિધાનની રક્ષા માટે, ભારતની એકતા માટે લેવાતા સુદ્રઢ નિર્ણયોથી આકર્ષાઈને મેરજાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પક્ષ પલટો નથી પણ દેશના હિતમાં લેવાયેલું એક હિંમત ભરેલું પગલું છે. જનતા જનાર્દન આ બાબત સારી રીતે સમજે છે. જોકે મેરજાના રાજીનામાંને લઈને કોંગ્રેસ પાર્ટી દુષ્પ્રચાર કરે છે. જેનો જવાબ આવનારી 3 તારીખે મતદારો સ્વયં કોંગ્રેસને આપશે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રાજકીય કારકીર્દિ પૂરી કરવા માટે મેરજાને ટીકીટ અપાયાની કોંગ્રેસની એ વાતનું ખંડન કરતા કરતા આઇ.કે.જાડેજાએ ઉમેર્યું હતું કે, ભાજપમાં દરેક નેતાઓ અને કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવતી જ હોય છે, ત્યારે કાંતિભાઈ અમૃતિયાની નારાજગીને લઈને કોંગ્રેસ ખોટો ભ્રમ ઊભો કરી રહી છે. પ્રચાર અને પ્રસારના દરેક કાર્યક્રમોમાં કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિ એમના રાજીપાનો બોલતો પુરાવો છે.

મોરબી-માળીયાના મતદારોને મતદાન કરવાની અપીલ કરતાં આઇ.કે.જાડેજાએ આહવાન કર્યું હતું કે, મોરબીમાં મોટેભાગે જીતી જનાર ઉમેદવારની લીડ બહુ ઓછી હોય છે ત્યારે આ પેટાચૂંટણીમાં ભાજપ તરફી જંગી મતદાન કરીને બ્રિજેશ મેરજાને જીતાડી મોરબીમાં કમળ રૂપી ફૂલ ખીલવજો અને ભારે માત્રામાં મતદાન કરજો એવી મતદારોને અપીલ કરી હતી.

 

- text