ટંકારા : સીસીસીના બોગસ પરિણામના આધારે ઉચ્ચતર પગારનો લાભ લઈ રહેલા શિક્ષકો સામે રાવ

- text


RTI કાર્યકરે નામજોગ શિક્ષણ સચિવને ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ : ટંકારા શિક્ષણ અધિકારીએ તમામ શાળાના શિક્ષકો પાસે બાંહેધરી સાથે માંગ્યા પુરાવા : ગેરરીતિ સાબિત થશે તો મોટી કાર્યવાહીની સંભાવનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ :

ટંકારા : પ્રાથમિક શિક્ષક સંધની ચુંટણી બાદ ટંકારા પ્રાથમિક વિભાગ પાછલા દિવસોમાં ભારે ચર્ચામાં રહ્યું છે. અભ્યાસના બદલે રાજકીય રંગે રંગાઈ એક બીજાને ભરી પિવા શિક્ષકો તત્પર રહેતા હોવાના સમાચાર છડેચોક ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આવી ચર્ચાઓ વચ્ચે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દે એવી રજૂઆતને લઈને શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો, વાકાનેરના આર.ટી.આઈ. એક્ટીવિસ્ટ લવજીભાઈ આંબલિયાએ પહેલી ઓક્ટોબરે ગુજરાત શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદ રાવને દસ્તાવેજી પુરાવા રજુ કરી ટંકારા તાલુકામા ફરજ બજાવતા શિક્ષકો પૈકીના કેટલાક શિક્ષકોએ સીસીસીના પરિણામમાં છેડછાડ કરીને ઉચ્ચતર પગારધોરણ મેળવી રહ્યા હોવાની બાબત ધ્યાને મૂકી હતી. સામાન્ય રીતે સરકારી નોકરીમાં સીસીસીની (કોમ્પ્યુટર) પરીક્ષા પાસ કર્યા બાદ જ જે-તે કર્મચારી કે અધિકારીને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતો હોય છે. શિક્ષકોને પણ સીસીસીની પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે છે. જોકે ટંકારાના અમુક શિક્ષકો દ્વારા સીસીસીની પરીક્ષાના પરિણામ સાથે ચેડાં કરીને હાલમાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવી રહ્યા છે. રજુઆત કરતાએ નામજોગ આરોપ કર્યો છે કે, જે પરીક્ષા પાસ કરી હોવાંના પ્રમાણપત્ર રજુ કર્યા છે એને સરકારની ઓનલાઈન વેબમાં જોતા અન્ય ઉમેદવાર દેખાય છે. જેથી આ આખુ કોભાંડ હોવાની શક્યતા સેવાઇ રહી છે.

જીટીયુ દ્વારા સીસીસીની પરીક્ષા લેવામાં આવે છે. તેનું રીઝલ્ટ ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે જેની પ્રિન્ટ કાઢીને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે અને જે ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવી હોય અને તેને પરીક્ષા પાસ કરેલ હોય તેઓના બેઠક ક્રમાંક નંબરની જગ્યાએ ટંકારાના શિક્ષકોએ પોતાના નામ ગોઠવીને કૌભાંડ આચર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે શિક્ષકો દ્વારા સીસીસીની પરીક્ષા પાસ કર્યાના ખોટા આધાર ઊભા કરીને સર્વિસ બુકમાં તેની એન્ટ્રી પડાવી લેવામાં આવેલ છે અને ગાંધીનગરથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

- text

સમગ્ર બાબત શિક્ષણ વિભાગના ધ્યાન પર આવ્યા બાદ ટંકારા શિક્ષણ અધિકારીએ તપાસ આદરી છે. જેમા ટંકારામાં ફરજ બજાવતા આચાર્ય, મુખ્ય શિક્ષક, શિક્ષક, વિધાસહાયક, બી.આર.સી., સી.આર.સી., કો-ઓડિનેટર સહિત તમામને આવતી કાલે તારીખ ૯-૧૦-૨૦૨૦ સુધીમાં શાળાના પ્રમાણપત્ર સાથે ખરાઈ કરેલા ડોક્યુમેન્ટ રજુ કરવા આદેશ કર્યો છે. ત્યારે આવતી કાલે આ બાબતે નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ તો આ મુદ્દો ટંકારા શિક્ષણ વિભાગ ચર્ચાની એરણે ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. મોરબી અપડેટ એ અરજી કરનાર આંબલિયાભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ખોટુ થયુ છે અને એ છુપાવવા માટે પ્રયાસ પણ થઈ રહ્યા છે. આ ખેલ માત્ર શિક્ષણ વિભાગમા નહી પરંતુ અન્ય વિભાગોમા પણ થયા હોવાનુ જણાવી આગામી દિવસોમાં આ બાબતે પણ સત્ય સામે લાવવા પ્રયત્નો કરવાનુ તેઓએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text