મોરબીના ચકપમર ગામના બે મિત્રોએ ખેતરમાંથી મગફળીને ઉપાડવાનું કારગર મશીન બનાવ્યું

- text


ખેડૂતે રોકાણ કર્યા બાદ ઓનલાઈન માહિતી અને કોઠાસૂઝથી લુહાર મિત્રએ સફળતાપૂર્વક મગફળી ઉપાડવાનું મશીન બનાવ્યું 
ચકપમર ગામમાં આ મશીનથી સફળતાપૂર્વક મગફળી ઉપાડીને અન્ય ગામોમાં પણ આ પ્રયોગની શરૂઆત કરી

મોરબી : ‘મંઝિલે ઉન્હિ કો મિલતી હૈ જો કભી હાર નહિ માનતે’. જો કોઈપણ ક્ષેત્રે સફળ થવું હોય તો સતત ધગશથી અથાગ પુરૂષાર્થ કરવો જ પડે છે. તો જ સફળતા કદમ ચૂમે છે. આ વાતને મોરબીના ચકમપર ગામના બે મિત્રોએ ખરા અર્થમાં સિદ્ધ કરી છે. જેમાં આધુનિક ખેત ઓજારો તો સક્ષમ નિષ્ણાતો જ બનાવી શકે છે અને આ ખેત ઓજારો મોંઘા હોય, સામાન્ય ખેડૂતોને પરવડે એમ હોતા નથી. તેથી, ચકપમર ગામના ખેડૂતે મગફળી ઉપાડવાનું મશીન જાતે બનાવવાનું નક્કી કરીને તે માટે રોકાણ કરીને આ કામ પોતાના લુહાર મિત્રને સોંપ્યું હતું અને લુહાર મિત્રએ પણ હાર માન્ય વિના મહેનત કરીને આખરે ઓનલાઈન માહિતી અને કોઠાસૂઝથી સફળતાપૂર્વક મગફળી ઉપાડવાનો આવિષ્કાર કર્યો છે.

મોરબીના ચકમપર ગામે રહેતા ખેડૂત રમેશભાઈ કલરીયા અને લુહારી કામ કરતા જયેશભાઇ ભીખુભાઇ લુહાર એમ આ બન્ને મિત્રોએ સાથે મળીને ખૂબ જ ઓછી કિંમતે ખેતરમાંથી મગફળી ઉપાડવાના મશીન બનાવીને સૌને દંગ કરી દીધા છે. ખાસ કરીને આવા ખેત ઓજારો ચાઇનથી આયાત થતા હોય છે. પ્રમાણમાં ખૂબ જ મોંઘા હોય છે. આ ખેત ઓજારોની કિંમત સામાન્ય કે માધ્યમ વર્ગના ખેડૂતોને પરવડતી નથી. હાલ કોરોનાના કાળમાં ખેતરોમાં મજૂરી કામ કરતા આદિવાસી ખેત મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા છે. દરમ્યાન હાલ ખરીફ પાકની સિઝન હોવાથી પાકો ખેતરોમાં લહેરાય રહ્યા છે અને મગફળી સહિતના પાકો ખેતરોમાં તૈયાર થઈ ગયા છે. પણ મજૂરો ન હોવાથી મગફળીનો પાક કેમ ઉતારવો તેની ખેડૂતોમાં જબરી ચિંતા જાગી છે.

- text

ચકપમર ગામે પણ મગફળીનો પાક તૈયાર થઈ ગયો હોય ખેડૂત રમેશભાઈ આ પકનો કેમ ઉતારો કરવો તેની મથામણમાં પડ્યા હતા. દરમ્યાન હળવદ પાસેના એક ખેડૂતે ચાઇનાથી મગફળી ઉપાડવાનું મશીન બનાવ્યું હતું. આ મશીન મોંઘું હોય પરવડે એમ ન હોવાથી રમેશભાઈ પોતાના મિત્ર જયેશભાઇ લુહારને આ મશીન બનાવવાનું કામ સોંપ્યું હતું. પણ ખેત ઓજારનું કામ લુહાર કામ જેટલું સહેલું નથી. આ મશીન બનાવવાનો ખર્ચ ખેડૂતે ઉઠાવ્યો હતો. તેથી, જયેશભાઇ ખંતપૂર્વક આ ખેત ઓજાર બનાવવામાં લાગી ગયા હતા. જો કે આ કામ ઘણું કઠિન હોવાથી તેઓ બે વખત નિષ્ફળ ગયા હતા. પણ થાક્યા વિના મોબાઈલ એપ્લિકેશનથી માહિતી અને પોતાની કોઠાસૂઝથી કોશિશ ચાલુ રાખી અને આખરે તેઓ આ ખેત ઓજાર બનાવવામાં સફળ થયા હતા. બન્ને મિત્રોએ ગામમાં આ મશીનથી ખેતરમાંથી મગફળી ઉપાડવાનો સફળ પ્રયોગ કર્યો હતો. હવે અન્ય ગામોમાં પણ આ પ્રયોગ કરી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text