નવતર પ્રયોગ : ઘરે-ઘરે જઈ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પાઇલોટ પ્રોજેક્ટ શરુ

- text


પ્રાથમિક તબક્કે વોર્ડ નં. 10માં કામગીરી, આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં કામગીરી કરાશે

ભીંતચિત્રો, બેનર્સ, શેરી નાટકો દ્વારા પણ લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવાશે

મોરબી : હાલમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન સાવચેતી માટે સ્વચ્છતા રાખવી આવશ્યક છે. તેમજ કોરોના કાળમાં લોકોને સાફ-સફાઈનું મહત્વ સમજાયું છે. ત્યારે ગત તા. 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસથી મોરબી પાલિકા દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે માટે સોર્સ એગ્રિગેશનનો પાઇલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. હાલમાં પ્રાથમિક તબક્કે વોર્ડ નં. 10માં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં કામગીરી કરાશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત મોરબીવાસીઓને કચરો એકઠો કરવાની અને વિભાજીત કરવાની માહિતી પાઇલોટ દ્વારા ઘરે-ઘરે જઈને આપવામાં આવશે. આ ઉપરાંત, આ અંગે ભીંતચિત્રો અને બેનર્સ પણ લગાડવામાં આવશે. ત્યાબાદ શેરી નાટકો યોજીને પણ લોકોને જાગ્રત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. અંતિમ તબક્કામાં વેસ્ટ મેનેજમેન્ટના પાઠ ભણાવાશે.

હાલમાં મોરબી શહેરના વોર્ડ નં. 10 આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ચાર મહિના સુધી ચાલશે. આ વોર્ડમાં 30,000થી વધુ મકાનો આવેલા છે. આ તમામ ઘરે-ઘરે જઈને લોકોને ભીનો કચરો, સૂકો કચરો અને સેનેટરી વેસ્ટ જુદા-જુદા નાખવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. ભીનો કચરો એટલે કે શાકભાજી, કાગળ, ફ્રૂટ, ફૂલો જેવી વસ્તુઓ. સૂકો કચરો એટલે પ્લાસ્ટિક, કાચ જેવી વસ્તુઓ તેમજ સેનેટરી વેસ્ટ એટલે સેનેટરી પેડ્સ, ડાયપર, બ્લેડ જેવી વસ્તુઓને અલગ કરી કચરો નાખવા માહિતગાર કરાય છે.

- text

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે વિવિધ NGOને કામગીરી સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મૂળ હેતુ લોકોમાં સાફ-સફાઈ બાબતે જાગૃત કરવાનો અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ઘરેથી જ ત્રણેય પ્રકારના કચરો અલગ કરીને નાખવામાં આવે તે માટે લોકોને જાણકારી આપવાનો છે. આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ સમગ્ર મોરબી શહેરમાં લાગુ કરવાનું આયોજન છે.

ઉલ્લેખનીય છે કે મોરબીના વોર્ડ નં. 10માં મધુરમ સોસાયટી, અંજની પાર્ક, નવરંગ પાર્ક, જલારામ સોસાયટી, વિદ્યુત પાર્ક, વિજયનગર, રમ્યવાટિકા, કૈલાસ પાર્ક, યોગેશ્વર નગર, મહાવીર સોસાયટી, અંકુર સોસાયટી, અરિહંત સોસાયટી, આઝાદ સોસાયટી, અક્ષરધામ સોસાયટી, સનાળા પ્લોટ વિસ્તાર, વિરાણી વાડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં તબ્બકાવાર આ પ્રોજેક્ટ હેઠળની કામગીરી કરવામાં આવશે.

જોકે મોરબી નગર પાલિકાનો આ પાઇલોટ પ્રોજેકટ કેટલો સફળ રહે છે? કે પછી અન્ય પ્રોજેકટની જેમ કાગળ પર જ કામગીરી થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text