27 સપ્ટેમ્બર, મોરબી ક્રાઈમ ડાયરી : મોરબી જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયેલા બનાવ અને ફરિયાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં મોરબી શહેર, મોરબી તાલુકો, વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકા, ટંકારા તાલુકા, હળવદ તાલુકા અને માળીયા (મી.) તાલુકાના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તા. 27 સપ્ટેમ્બરના રોજ મારામારી અને જુગાર સહીત અનેક બનાવોમાં ગુનાખોરી કરતા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરાઈ છે. તેમજ અકસ્માતના બનાવો પણ બન્યા હતા. જેની પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

માળીયામાં ઝીંગાની માછીમારી મામલે બે જૂથ વચ્ચે અથડામણ, બન્ને જૂથે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાઇ

માળીયા : માળીયામાં ઝીંગાની માછીમારી મામલે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બાદમાં બન્ને જૂથે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. માળીયા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વિસીપરા સરકારી વાડી મુળ નવાગામ માળીયા.મીના વતની અલીભાઇ કાસમભાઇ કટીયા (ઉ.વ.૪૦) એ આરોપીઓ અલીભાઇ મામદભાઇ મેર, રફીક અલીભાઇ મેર ,રીયાજ અલીભાઇનો જમાઇ, સલીમભાઇ અલીભાઇ મેર સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૬ના રોજ બપોરના અઢી વાગ્યાના સુમારે ફરીયાદીના ફુઇના દીકરા આલમ વલીમામદ મોવરને આરોપીઓ સાથે જીંગા મચ્છિ મારવા બાબતે બોલાચાલી થતી હોય, તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ડાબા પડખાના ભાગે ધારીયુ મારી તેમજ તલવારના ઘા ડાબા હાથે તથા ગાલ પર મારી તેમજ સાહેદ આલમ વલીમામદ મોવરને માથાના ભાગે લાકડીના ધોકાના ઘા મારી માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી.

જ્યારે સમાપક્ષે રોશનબેન શોકતઅલી મામદભાઇ મેર (ઉ.વ.૪૫) એ આરોપીઓ અલીભાઇ કાસમભાઇ, આલમ વલીમામદ મોવર, નઝમાબેન શેરઅલી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીના પતિ શોકતઅલી મામદભાઇ મેરને આરોપીઓ સાથે જિંગા મચ્છીમારી કરવા બાબતે બોલાચાલી થયેલ, જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી ફરીયાદી બેનને ધારીયા વતી ડાબા હાથમા ઘા મારી ઇજા કરી સાહેદ શોકતઅલી મામદભાઇ મેરને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

ટંકારામાં અંગત અદાવત મામલે યુવાનને માર માર્યો

ટંકારા : ટંકારામાં અંગત અદાવત મામલે યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ટંકારાના વિરપર ગામે ધર્મશાળાની બાજુમા રહેતા સુરેશભાઇ પાલાભાઇ ચાવડા (ઉ.વ.૩૮) એ આરોપીઓ જયદિપભાઇ ઉર્ફે ઘોઘો લક્ષ્મણભાઇ ચાવડા, વિનોદભાઇ કરશનભાઇ, પ્રવિણભાઇ કરશનભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૪ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા ફરીયાદી સાથે આરોપીઓએ ઝપાઝપી કરી માર મારી મુંઢ ઇજાઓ કરી છરી લઇને તથા લોખંડનો પાઇપ લઇને આવી આરોપીઓએ ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના મકનસરમાં જુના ઝઘડાનું મનદુઃખ રાખી બે મહિલાઓ બાખડી પડી

મોરબી : મોરબીના મકનસર ગામ નજીક આવેલા પ્રેમજીનગરમાં રહેતી બે મહિલાઓ વચ્ચે જુના ઝઘડાનું મનદુઃખ રાખી ઝઘડો કર્યો હતો. અને એક બીજા સાથે ઝપાઝપી કરી ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામ નજીક આવેલા પ્રેમજીનગરમાં રહેતા રેખાબેન સંજયભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ પરમાર નામની મહિલાને પાડોશમાં રહેતા કોકિલાબેન જયેશભાઇ શેખવા સાથે અગાઉના ઝઘડાનું મનદુઃખ ચાલતું હતી અને તેને લઈ બન્ને મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. અને આ મુદ્દે બન્ને મહિલાઓએ ઝપાઝપી કર્યા બાદ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તાલુકા પોલીસ.દ્વારા મહિલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના-પૈસા વડે જુગાર રમતા દેવજીભાઇ ખીમજીભાઇ સનારીયા, મનજીભાઇ દેવજીભાઇ વરસડા, ભુપતભાઇ જાદવજીભાઇ દેત્રોજા તથા ભુપતભાઇ ભવાનભાઇ બોહકીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે રોકડ રૂ. 8,630 જપ્ત કર્યા છે. અને પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.

મોરબી-રાજકોટ હાઇવે પર કારચાલકે ચાર વર્ષની બાળકીને હડફેટે લીધી, બાળકીને ગંભીર ઇજા

ટંકારા : મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે શીવ કોલ્ડ સ્ટોરેજની સામે રોડ ઉપર અર્ટીકા કાર રજી.નંબર જી.જે.૦૩-એલ.એમ.-૫૭૨૭ના ચાલકે બેદરકારીપૂર્વક કાર ચલાવી પવનભાઇ પાતલીયાભાઇ નીગવાલ (ઉ.વ. ૨૬, ધંધો મજુરી, મુળ રહે. ફત્યાપુર, તા.ધરમપુરી, જી. ધાર (એમ.પી.))ની ચાર વર્ષની પુત્રી દીપાલીને હડફેટે લીધી હતી. દિપાલીને માથામા ગંભીર પ્રકારની તેમજ હાથ-પગમા સામાન્ય ઇજા પહોંચી છે. હાલમાં ટંકારા પોલીસે ફરિયાદના આધારે કારચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text