એક ડેપ્યુટી ઇજનેર અને બે જુનિયર ઇજનેરનો ચાર્જ એકસાથે સંભાળતા GEBના ફરજનિષ્ઠ કર્મી

- text


વિવેકભાઈ દેકાવડીયા ફરજનિષ્ઠાની સાથે પ્રકૃતિ પ્રેમ અને સેવા ભાવના પણ ધરાવે છે

મોરબી : સામાન્ય રીતે, લોકોનું માનવું હોય છે કે સરકારી કર્મચારી તરીકેની નોકરી એટલે રજાઓનો ઢગલો ભોગવી શકાય તેવી મજાની તક! પરંતુ આવી માન્યતાને ખોટી સાબિત કરવા વાળા સરકારી કર્મચારીઓ જૂજ પ્રમાણમાં પણ ચોક્કસ મળી આવે છે. આવા કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન હોય છે. જેનો લાભ સરકારને અને જનતાને મળતો હોય છે.

મોરબીમાં જી.ઈ.બી.માં ફરજ બજાવતા વિવેક દેકાવાડીયાની વાત કરીએ તો વિવેકભાઈ છેલ્લા 3 વર્ષમાં એકપણ દિવસની રજા લીધા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. મોરબી શહેર નજીક આવેલા ગામોથી શરુ કરી મોટા દહિસરા અને ચાચાપર સુધીના આશરે 50 જેટલા ગામોમાં પાવર સપ્લાય સતત મળતો રહે, તે માટે વિવેકભાઈ દેકાવડિયા દિવસ-રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે.

વિવેકભાઈ દેકાવડીયા છેલ્લા 3 વર્ષથી પોતે જુનિયર ઇજનેર હોવા છતાં એક ડેપ્યુટી ઇજનેર અને બે જુનિયર ઇજનેરનો ચાર્જ સંભાળી રહ્યા છે. આટલું જ નહી, તેઓ બીજા ઇજનેરોને પણ જરૂરિયાતના સમયે મદદ કરવા તત્પર હોય છે. COVID-19 જેવી વૈશ્વિક મહામારી દરમિયાન પણ 80 જેટલા સ્ટાફનું મેનેજમેન્ટ કરી, કોરોનાને કેવી રીતે ફેલાતો અટકાવવો અને ઓછામાં ઓછા સ્ટાફને ફરજ પર બોલાવી, પાવર સપ્લાય જળવાઇ રહે તેની ખાસ તકેદારી વિવેકભાઈએ રાખેલ છે.

- text

વિવેકભાઈ ફરજનિષ્ઠ કર્મીની સાથે પ્રકૃતિ પ્રેમી જીવ પણ છે. આથી, વિવેકભાઈએ 10 જેટલા સબ સ્ટેશનમાં આશરે 300 જેટલા વૃક્ષો ઉછેર્યા છે. તેઓનું એવું દૃઢપણે માનવું છે કે માનવજાતિ પ્રકૃતિનો બચાવ કરશે, તો જ પ્રકૃતિ માનવજાતિનો બચાવ કરશે. તેઓ અનેક NGO – સેવાકીય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. જ્યાં તેઓ સેવાકીય પ્રવૃત્તિ થકી માનવધર્મ નિભાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિવેકભાઈ GEBમાં નોકરી કરતા પહેલા રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા હતા. તેઓ સ્વભાવે ખૂબ શાંત અને સરળ છે. તેમજ તેમનું જીવન પણ સાદગીપૂર્ણ છે. તેમના પિતા જામનગર નજીક એક ઉત્તર બુનિયાદી (મહાત્મા ગાંધીની વિચારધારાવાળી) શાળામાં પ્રિન્સિપાલ તરીકે 32 વર્ષ ફરજ બજાવી ચુક્યા છે. વિવેકભાઈ જણાવે છે કે આ શાળામાંથી જ તેમને સમાજ સેવા અને ગાંધી વિચાર પર કામ કરવાની પ્રેરણા મળેલ છે. જે પ્રેરણાને તેમણે સેવાકીય પ્રવૃત્તિઓ થકી સાકાર કરી છે!


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text