તંત્રની ઘોર નીંભરતાના કારણે જોખમી બની ગયેલુ લતીપર ચોકડીનું ડાયવર્ઝન

- text


અનેક વખત રજૂઆતો કરવા છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ગાંઠતા નથી

ટંકારા : મોરબી-રાજકોટ વચ્ચે ચાલી રહેલા ફોરલેન હાઈવેના કામકાજમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવતી ઢીલાશ અને બેદરકારીને કારણે હવે લોકો રીતસર ત્રાસી ગયા છે. ફોરલેનની કામગીરી દરમ્યાન સુરક્ષાની તકેદારીને લઈને વારંવાર સવાલો ઉઠતા રહ્યા છે. નાનામોટા અકસ્માતો અને વાહન ચાલકોની તકલીફોની ફરિયાદ હવે તંત્રને જાણે કોઠે પડી ગઈ હોય એમ અઢળક સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ટંકારા નજીકની લતીપર ચોકડીએ નિર્માણાધીન ઓવરબ્રિજના ડાયવર્ઝનને લઈને મોરબી-રાજકોટ વચ્ચે આવાગમન કરતા હજારો વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગઈકાલે કાચા ડાયવર્ઝનમાં એક ટ્રક ખૂંપી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને હજારો રૂપિયાનું ઇંધણ અને સેંકડો માનવ કલાકો વેડફાયા હતા.લતીપર ચોકડીએ બનાવવામાં આવેલો હંગામી ડાયવર્ઝન માર્ગ વરસાદી ઋતુમાં ગામડાના ગાડામાર્ગ જેવો થઈ જતા ગઈકાલે એક માલવાહક ટ્રક એમાં ખૂંપી ગયો હતો. આથી અન્ય વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકોમાં આ બનાવને લઈને રોષની લાગણી ફેલાઈ હતી. સ્થળ પર મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકોએ રોષ ઠાલવ્યો હતો કે નબળી સ્થાનીય નેતાગીરીને કારણે આ સમસ્યા પુલ નિર્માણના પ્રારંભકાળથી ચાલી આવે છે. કાં તો પુલ નિર્માણના કોન્ટ્રાકટરો અધિકારીઓનું ગાંઠતા નથી અથવા તો સ્થાનીય તંત્રને પ્રજાની મુશ્કેલીમાં રસ નથી એવો બળાપો ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

- text