ટંકારા નજીક ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

- text


મકાનમાંથી મોટો દલ્લો હાથ ન લાગતા તસ્કરો ઘરનો માલસામાન વેરવિખેર કરી નાખ્યો

ટંકારા : ટંકારાના ભાગોળે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના એક બંધ મકાનમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને આ મકાનમાંથી માત્ર મામુલી રકમ હાથ લાગતા રોષે ભરાયેલા તસ્કરોએ મકાનનો માલ સમાન વેરવિખેર કરી નાખ્યો હતો. ગત રાત્રે આ મકાનમાં હાથફેરો કરી ગયાની જાણ થતાં આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે. સાતમ આઠમના તહેવારો પૂર્વે ચોરીના બનાવો બનતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પોલીસ નાઈટ પેટ્રોલીગ અસરકારક બનાવે તેવી માંગ કરી છે.

- text

આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના છેવાડે આવેલા જબલપુરના પાટીયા પાસેની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના એક મકાનમાં ભાડેથી રહેતા નિકુલભાઈ છગનભાઈ પનારા સાતમ આઠમના તહેવાર નિમિત્તે તેમના મુળ ગામ દહિસરડા આજી ખાતે ગયા હતા. પાછળથી તેમના બંધ હાલતમાં રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો ગત રાત્રે તેમના મકાનના દરવાજાનુ તાળુ તોડીને ઘરમાં પ્રવેશી ખાંખાખોળા કરીને રોકડ રકમ રૂ. ૨૫૦૦ ઉઠાવી ગયા હતા. જો કે આ મકાનમાંથી મોટો દલ્લો ન મળતા તસ્કરોએ મકાનના સરસામાન પર રોષ ઉતારીને મકાનનો માલસામાન અસ્ત-વ્યસ્ત કરી નાખ્યો હતો. બાદમાં આ બનાવની આજે સવારે પાડોશીઓને ખબર પડી હતી. આથી, પડોશીઓએ હતા મકાન માલિકને આ ચોરીના બનાવની જાણ કરી હતી. આથી, હાલ આ બનાબ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે. જો કે આ બનાવની હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી. પણ સાતમ આઠમના તહેવારોમાં બહારગામ જતા લોકોને મકાનોને તસ્કરો નિશાન ન બનાવે તે માટે ટંકારા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

- text