અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની મોરબી જિલ્લામાં ઠેર-ઠેર ભાવભેર ઉજવણી

- text


  • જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી
  • મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ સહિતના દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબી : અયોધ્યામાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મભૂમિના શિલાન્યાસ પ્રસંગને લઈને મોરબી જિલ્લામાં ભારે હર્ષોલ્લાસ છવાયો છે. અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસની વિધીને ઉમળકાભેર આવકાર આપવા માટે મોરબી જિલ્લામાં ઠેરઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ સહિતના દ્વારા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાના ગામે ગામ રામજી મંદિરોમાં આરતી તેમજ ફટાકડાની આતીશબાજી સાથે રામ મંદિરની શિલાન્યાસની વિધીને ઉમળકાભેર વધાવી હતી.

મોરબીના પૌરાણિક રામ મહેલ મંદિરમાં રામ દરબારની મહાઆરતી કરાઈ

અયોધ્યામાં આજે રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ભારે હરખની હેલી જોવા મળી છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામે ગામે આવેલા રામજી મંદિરોમાં ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. જ્યારે મોરબી શહેરમાં આવેલ અને હમણાં જીણોદ્ધાર કરાયેલા દરબાર ગઢ પાસેના પૌરાણિક રામ મહેલ મંદિરમાં ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. તેમજ મોરબીના વાંકડા ગામે રામજી મંદિરમાં ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. તેમજ ફટાકડા ફોડીને અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી લેવાય હતી.

યુવા અગ્રણી અજયભાઇ લોરિયા દ્વારા જિલ્લાભરમાં મીઠાઈ તથા દીવડાનું વિતરણ

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી અજયભાઇ લોરિયા દ્વારા રામ મંદિર શિલાન્યાસ પ્રસંગ નિમિત્તે મોરબી શહેરમાં તથા મોરબી જિલ્લાના ગામોમાં જઈ 7,100 જેટલા પેંડાના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અજયભાઈએ 7,100 જેટલા દીવડાઓનું ઘરે-ઘરે વિતરણ કરવામાં આવ્યું છે. જે દીવડા સાંજે પ્રગટાવવામાં આવશે.

કરણી સેના દ્વારા આરતી યોજાઈ

મોરબી કરણી સેના દ્વારા આજે બપોરના સમયે મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે આરતીનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી કરણી સેનાના હોદેદારો અને સભ્યો સહિતના લોકો જોડાયા હતા. આજે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટેની શિલાન્યાસ વિધિની ખુશીમાં આ આરતી કરવામાં આવી હતી અને ભગવાન રામચંદ્રની પ્રાર્થના કરવામાં આવી હતી.

રામધન આશ્રમ ખાતે આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

આજે અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ વિધિના પ્રસંગે મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાના મંદિરે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હનુમાન ચાલીસ પાઠ, 108 દિવડાની દીપમાળા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનની ઉપસ્થિતમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લઈને રામ મંદિરના નિર્માણ કાર્યને વધાવ્યું હતું.

મોરબી જિલ્લા ભાજપ દ્વારા દિવડા તથા પેડાના બોક્ષનું વિતરણ

આજે રામ મંદિરની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાવજીભાઈ ગડારા મહામંત્રી જયોતીસીહ જાડેજા, પ્રભુભાઈ ભુત દ્વારા દિવડા તથા પેડાના બોક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ દિપકભાઈ પોપટ કાઉન્સિલર મોરબી નગરપાલિકાએ જણાવ્યું હતું. તેમજ ભાજપ મોરબી જિલ્લા મહિલા મોરચાના બહેનો દ્વારા મોરબી શહેરમાં પેંડા અને દિવડા વહેંચીને ખુશી વ્યક્ત કરવામા આવી હતી.

- text

ટંકારા પંથકમાં મહાઆરતી યોજાઈ

એકતાના પ્રતિક હડમતિયાના નિવૃત મુસ્લિમ આર્મીમેન સુલેમાન સુમારભાઈના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. આ પરિવારના સદસ્યોમાં કાસમભાઈ હરહંમેશ જન્માષ્ટમીમાં પણ ભગવાનના સારથી બનીને રથ ચલાવ્યાના દાખલા મોજુદ છે. ત્યારે દેશના નિવૃત આર્મીમેન સુલેમાનભાઈ પોતાના મુખે એવું જણાવ્યું કે હું નથી મુસ્લિમ કે નથી હિન્દું પણ પ્રથમ દેશનો નાગરીક છું અને મને સરકાર આર્મીમાં નોકરી કરવાની તક આપી તેનાથી ખુશ છું હાલ હું નિવૃતી ભોગવી રહ્યો છું. દેશની સુપ્રિમકોર્ટના ચુકાદાને શિરોમાન્ય ગણવો જોઈએ. આજે સુલેમાનભાઈ ૮૫ વર્ષની આયુ ભોગવી રહ્યા છે છતા તેમનો દેશપ્રેમની ચર્ચા ગામલોકોને ઉડીને આંખે વળગે તેવી જ રહી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં આજે રામમંદિરના શિલાન્યાસની ખુશીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે ટંકારા તાલુકાના હડમતિયાના ગ્રામજનોમાં ખુશી વ્યાપી હોય તેમ છેલ્લા બે દિવસથી સવાર-સાંજે ઘી ના દિપ પ્રગટાવ્યા હતા. તા. 5/8/2020 ના શ્રાવણ વદ-૨ ને બુધવારના રોજ શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રીરામ અેટલા માટે છે કે તેમનો પ્રેમ પશુ,પંખી,પ્રાણી,માનવ, માટે અેક સરખો જ રહ્યો છે. ઈતિહાસ ગવાહ છે કે જટાયુ, વાનર, આદિવાસી કે ભીલ પછી તે કેવટ હોય કે શબરી તમામ સાથે મૈત્રીભાવના વ્યવહારથી રાષ્ટ્રના દરેક વ્યક્તિનાના હ્દયમાં સ્થાન પ્રસ્થાપીત કર્યું હોવાનો ઈતિહાસ સૌ લોકોને ખબર જ છે ત્યારે મર્યાદા પુરુસોતમ શ્રીરામના મંદિરના શિલાન્યાસથી ગ્રામજનોઅે ઘેર ઘેર લાપસીના આંધણ મુક્યા છે બપોરે ગામના રામજીમંદિરમાં મહાઆરતી સમયે ભગવાનના નિવેધ અર્પણ કરી રામભક્તો ઘેર ઘેર પ્રસાદ આરોગશે અને ખુશી મનાવશે. કોરોના જેવી વૈશ્વિક મહામારીને ધ્યાનમા લઈ કલેકટરના જાહેરનામાનો ભંગ ન થાય તે હેતુથી રામજીમંદિરની મહાઆરતી સમયે ફક્ત અેક પુજારી અને પાંચ-દશ ભક્તો સોશિયલ ડિસ્ટન્સ રાખીને આરતી કરશે તેમજ અન્ય ગ્રામજનોને મહાઆરતી સમયે અેકઠા ન થવું તેમજ પોત પોતાની ઘેર ખુશી મનાવવાનું ફરમાન કરવામા આવ્યું છે.

મોરબીના જલારામ મંદિર ખાતે મહા આરતી યોજાઈ

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગને આતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા ઉત્સાહભેર વધાવવામાં આવ્યો હતો. જેમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાઆરતી યોજી મિઠાઈ વિતરણ કરી ઉત્સવ મનાવ્યો હતો. તેમજ દરેક કાર્યકરોને સન્માન પત્ર અર્પણ કરવામા આવ્યા હતા. આ પ્રસંગે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, નિર્મિત કક્કડ, બદ્રીપ્રસાદ અગ્રાવત, અનિસ સોમૈયા, હસુભાઈ પંડીત, નરસીભાઈ રાઠોડ, મનોજ ચંદારાણા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ટંકારાના હાટડી સ્થિત રામજી મંદિરે રામધુન યોજાઈ

અયોધ્યામાં રામ જન્મભૂમિ ભગવાન રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે આજે ટંકારા મુકામે ત્રણ હાટડી સ્થિત રામજી મંદિર ખાતે રામધુન આયોજન.કરવામાં આવ્યું હતું.જેમાં શહેરીજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહીને રામધૂન બોપાવી હતી.આ તકે પૂજારી રામદાસ બાપુએ સૌને જયશ્રી રામના શુભાષીશ પાઠવ્યા હતા.

હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા આરતી યોજાઈ

અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ કાર્યનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે હળવદ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મહા આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1992 ના કારસેવકોના વરદ હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી અને મંદિર પરિસર ભગવાન શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. તેમજ ઢોલ નગારા સાથે ઉત્સાહભેર જય જય શ્રી રામ નાદથી વાતાવરણ ભગવાન શ્રી રામમય બન્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા સંઘચાલક ડૉ. સી.ટી.પટેલ, દિપકદાસજી મહારાજ, દિલીપભાઈ સોની, બજરંગદળ ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર, પ્રખંડ અધ્યક્ષ ઈશ્વરભાઈ દલવાડી, પ્રકાશભાઈ પનારા 1992 ના કાર સેવક વસંતભાઈ ત્રિવેદી, બીપીનભાઈ દવે સહિત શ્રી રામ ભક્તો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આજે સંધ્યા સમયે હળવદના ગ્રામ દેવતા એવા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આમરણમાં રામ મંદિરે રામનામના જાપ યોજાયા

આમરણ ખાતે શ્રી રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઇ ભલોડિયા તેમજ રમેશભાઈ ફુલતારીયા અને મંદિરના પૂજારી મુકેશભાઈ કુબાવત દ્વારા શ્રી રામ નામ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામવાસીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ ગલેવામાં આવ્યો હતો.

- text