હળવદ : મયુરનગર ગામે રહેણાંક મકાનમાં 1.70 લાખની રોકડ સાથે જુગાર રમતા સાત ઝડપાયા

- text


મોરબી એલસીબી દ્વારા કાર્યવાહી કરાઇ

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ત્રાટકી હતી. જુગાર રમતા સાત શખ્સોને રૂપિયા ૧.૭૦ લાખની રોકડ સાથે ઝડપી લઇ તમામ જુગારીયાઓને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ પોલીસ દ્વારા હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી પત્તા રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. મોરબી જિલ્લા એલસીબી ટીમના વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, યોગેશદાન ગઢવી સહિતના પોલીસ જવાનોને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં હાઇસ્કૂલની બાજુમાં રહેતા રમેશભાઈ દેવદાનભાઈ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર બહારથી લોકો બોલાવી ગંજીપાનાનો જુગાર રમી રમાડતા હોય. જેથી, પોલીસ દ્વારા આ રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

- text

પોલીસના દરોડા દરમિયાન સાત શખ્સોને પતે રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. સાથે જ જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૧.૭૦ લાખ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસના દરોડા દરમિયાન રમેશભાઈ દેવદાનભાઈ (રહે. મયુરનગર), ચંદુભાઈ નરસિંહભાઇ (રહે નાની વાવડી), રમેશભાઈ ચંદુભાઈ (રહે મયુરનગર), જયેન્દ્રભાઈ પ્રભુભાઈ (રહે મોરબી), લાલજીભાઈ ભગવાનભાઇ (રહે મોરબી), રાયમલભાઈ રમેશભાઈ (રહે જીવાપર) અને મનસુખભાઈ છગનભાઈ (રહે મોરબી) સહિત સાત શખ્સોને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text