વાંકાનેરની ઓઇલ કંપનીની પાઇપ લાઈન તોડી ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ

- text


ઓઇલ ચોરી કરીને નીકળેલું ટેન્કર ઝડપાયા બાદ આખું કૌભાંડ ખુલ્યું : સાત શખ્સો સામે ઓઇલ ચોરી કરવાનો ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરના રૂપાવટી ગામે આઇ.ઓ.સી.એલ કંપની મેઇન પાઇપલાઇન તોડીને ઓઇલ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ઓઇલ ચોરી કરીને નીકળેલું ટેન્કર ઝડપાયા બાદ આ આખું ઓઇલ ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ ઓઇલ ચોરીમાં સાત શખ્સોની સંડોવણી ખુલ્યા બાદ કંપનીના કર્મચારીએ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટ સદર બજાર વિસ્તારમાં રહેતા અને ગૌરીદળ આઈ.ઓ.સી.એલ. પંપ સ્ટેશનમાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ તરીકે કામ કરતા અકીલભાઈ ઈબ્રાહીમભાઈ પટેલે આરોપીઓ મહમદ વસીમ ઉર્ફે સલમાનઅહેમદ હુશેન કુરેશી (ઉવ. ૪૮ રહે.મહોલ્લા સૈયદ ખીરી થાના ખીરી જિલ્લો- લખીમપુર ઉતરપ્રદેશ), નીશાંત કિરણભાઇ કરણિક (ઉવ. ૩૬ રહે-બી -૧૨ મોતીનગર –ર ગંગાસાગર પાસે સુશેન તરસાલી રોડ વડોદરા), મયુરભાઇ ચંન્દ્રકાન્તભાઇ જાદવ (ઉવ. ૩૨ રહે.વડોદરા એ-૨૪ સયાંજીપાર્ક સોસાયટી બસ સ્ટેન્ડ પાછળ આજવા રોડ વડોદરા), સંદીપ ગુપ્તા (રહે. દિલ્હી), અક્ષય દેશાઇ (રહે. ચાંદખેડા પાસે અમદાવાદ), ગૌતમ સોલંકી (રહે. સેવાસીગામ વડોદરા), કલસીંગ રાણા (રહે. મેઘનગર એમ.પી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૪ ના રોજ ચાર આરોપીઓ રેકી કરીને બાકીના આરોપીઓએ મદદગારી કરીને રૂપાવટી ગામે આઇ.ઓ.સી.એલ કંપની મેઇન પાઇપલાઇન તોડીને ઓઇલ ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું.

- text

આરોપીઓએ પુર્વઆયોજીત કાવતરૂ રચી આઇ.ઓ.સી.એલ કંપની મેઇન પાઇપલાઇન સલાયા વિરમગામ સેકશનમાં અત્યંત જવલનસીલ પ્રવાહી ક્રુડ (ફયુલ) ઓઇલ પસાર થતુ હોવાની જાણકારી હોવા છતા અનઅધિક્રુત પાઇપમાં ભાંગફોડ કરી નુકશાન કરી કોઇ સાધન દ્વારા વાલ્વ ફીટ કરી પાઇપનું જોડાણ કરી એક આરોપીએ પોતાના ટ્રક નંબર WB-19-D-8481 માં આર્થોરીટી અધિકારીની પરવાનગી વગર ગેરકાયદે ખુલ્લી જગ્યામાંથી ક્રુડ ઓઇલનો જથ્થો ૨૬,૩૩૦ કિ.ગ્રા.આશરે કિ.મી. રૂ.૫,૨૬,૬૦૦ ની જે ઇ-વે બીલ મુજબનો ન હોય ચોરી કરી ટ્રકમાં ટેન્કરમાં ભરી નીકળો હતો. આથી, આરોપી ટ્રક કિ.રૂ. ૫,૦૦,૦૦૦ તથા અન્ય આરોપીઓ ક્રેટા કાર નંબર GJ-6 KH-9059 કિ.રૂ ૭,૦૦૦૦૦ વાળી સાથે લઇ નીકળતા પકડાઇ ગયા હતા. આ ઓઇલ ચોરીનું કૌભાંડ બહાર આવ્યા બાદ પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text