મોરબી : જન્મ-મરણનો દાખલો કઢાવવામાં સમય મર્યાદાની છૂટછાટ અપાઈ

- text


મોડી નોંધણી કરાવવાથી લાગતી લેઇટ ફી અને એફિડેવિટ કરાવવામાંથી હાલ પૂરતી મુક્તિ

મોરબી : લોકડાઉનને લઈને જન્મ-મરણના દાખલ લોકો સમયસર કઢાવી શક્યા નથી. આ સ્થિતિ ધ્યાને આવતા ગુજરાત સરકારે જન્મ-મરણના દાખલા કઢાવવાના સમય અવધિના નિયમોમાં 31 જુલાઈ સુધી બાંધછોડ કરી છે.

તારીખ 25 માર્ચથી 31 મે સુધી સમગ્ર દેશમાં લોકડાઉનને લઈને સરકારી કચેરીઓમાં ઘણી કામગીરી રોકી દેવામાં આવી હતી. જે અન્વયે જન્મ-મરણ વિભાગની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. હવે જયારે 1 જૂનથી દરેક સરકારી કચેરીઓ પુનઃ ધમધમતી થઈ છે ત્યારે જન્મ અને મૃત્યુ અંગેના દાખલાઓની- નોંધણીની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. જો કે આ દરમ્યાન ઉક્ત નોંધણી માટેના જે નિયમો છે તેને લઈને ઘણી અગવડો લોકોને પડી રહી છે એ બાબત સરકારી વિભાગના ધ્યાને આવી હતી.

- text

જેમ કે, જન્મ-મરણ અધિનિયમ, 1969ની કલમ – 8 અને 9 મુજબ જન્મ-મરણના 21 દિવસની અંદર આવી નોંધણી-દાખલા કઢાવવાની જવાબદારી જે-તે નાગરિકની નક્કી કરાઈ છે. જન્મ-મરણના બનાવમાં 22થી 30 દિવસ દરમ્યાન માત્ર લેઇટ ફી ચૂકવીને રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકાય છે. પરંતુ 30 દિવસથી વધુ અને 1 વર્ષની અંદર જો (મોડી) નોંધણી કરાવી હોય તેવા સંજોગોમાં જન્મ-મરણ કે જન્મતા સમયે મૃતના કેસમાં જે તે સત્તાધિકારીની લેખિત પરવાનગીથી તેમજ ઠરાવેલી ફી ભરી, નોટરી કરી કરેલા સોગંદનામા બાદ જ નોંધણી શક્ય બનતી હતી.

જો કે, લોકડાઉનને લઈને ઘણા લોકો ઉક્ત સમય મર્યાદામાં જન્મ-મરણ નોંધણી કે દાખલો કઢાવવાનું ચુકી જતા હવે ઉપરકત નિયમમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા અધિનયમમાં મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને કમિશ્નર (આરોગ્ય) ગુજરાત રાજ્ય દ્વારા એક પરિપત્ર મારફત 4 માર્ચથી 31 જુલાઈ સુધી જન્મેલા, મૃત્યુ પામેલા કે જન્મ સમયે મૃત્યુ પામેલા કિસ્સાઓમાં એક વર્ષ સુધીની મોડી નોંધણીની જોગવાઇમાં છૂટછાટ આપવામાં આવી છે. જે મુજબ એફિડેવિટ કરાવવામાંથી મુક્તિ તેમજ લેઇટ ફી જતી કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

- text