મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ : સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો

- text


સોનિયા ગાંધીને ઈમેલ થી કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ હવે ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપશે તેવી ચર્ચા : બ્રિજેશ મેરજા સાથે આ મુદ્દે સંપર્ક કરવાના પ્રયાસો કરાયા પણ સંપર્ક થઇ શક્યો નથી

મોરબી : કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોના રાજીનામાંની વણજાર વચ્ચે આજે શુક્રવારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામાંના મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાની સાથે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલા આ અહેવાલો ઈલેક્ટ્રોનિક મીડિયા સુધી પહોંચતા લોકોની ઉત્સુકતામાં વધારો થયો છે. ત્યારે બ્રિજેશ મેરજાનો ટેલિફોનિક સંપર્ક થઈ શકતો ન હોવાથી કંઈક નવાજુનીના અણસાર મળી રહ્યા છે.

આજે સવારે 11 વાગ્યા બાદ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર મોરબીના કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામુ આપ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા. જો કે હજુ આ બાબતને કોઈ સત્તાવાર પુષ્ટિ મળતી નથી. આ દરમ્યાન ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ સમાચાર બ્રેક થતા મીડિયા હાઉસમાં લોકોએ પૂછપરછ માટે ફોન કરવાના શરૂ કર્યા હતા. જો કે આ સમયે બીજેશ મેરજાનો ટેલિફોનિક સંપર્ક પણ શક્ય ન બનતા કંઈક નવાજુની થઈ હોવાના અણસાર વર્તાઈ રહ્યા છે. છેલ્લે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મેરજાએ સોનિયા ગાંધીને ઇ-મેલથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અલબત્ત આ બાબતે ખુલાસો કરવા મેરજા હજુ સામે આવ્યા નથી અને તેઓનો ટેલિફોનિક સંપર્ક પણ શક્ય બન્યો નથી.

- text

જોકે ગઈકાલે મોરબી અપડેટએ આ મુદ્દે બ્રિજેશ મેરજા સાથે ટેલિફોનિક વાત કરી હતી ત્યારે તેઓએ પોતે કોંગ્રેસમા જ છે અને ગઈકાલે તેઓ અમદાવાદમાં કોંગ્રેસની કોર કમિટીની મિટિંગમાં હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે અચાનક જ તેમના રાજીનામાના સમાચારો વહેતા થયા છે. જયારે આ મુદ્દે બ્રિજેશ મેરજાનો સંપર્ક ના થઈ શકતા તેમના પીએ કેશવજીભાઇ ગામી અને બ્રિજેશ મેરજાના પુત્ર સની મેરજાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો પણ સંપર્ક થઇ શક્યો નથી.જોકે બ્રિજેશ મેરજા કોંગ્રેસ પક્ષની નીતિ અને રીતિથી નારાજ હતા. અને તેઓએ આ મુદ્દે જ હાલ રાજીનામા પાછળના કારણ જણાવ્યાના સમાચારો વહેતા થયા છે.

- text