મોરબી જિલ્લામાં આકરા નિયમો સાથે કાલે બુધવારથી એસટી બસો દોડશે

- text


10 બસો જિલ્લાની અંદર જ ફરશે : ઓનલાઇન બુકીંગ, વચ્ચે સ્ટોપ નહિ, 30 મિનિટ પહેલા પેસેન્જરે આવી જવાનું સહિતના અઘરા નિયમો

મોરબી : મોરબી જિલ્લામાં અત્યંત કડક નિયમો સાથે આવતીકાલે બુધવારથી એસટી બસો ચાલુ થવાની છે. હાલ એસટી તંત્ર માત્ર 10 બસો જ દોડાવવાનું છે. જે જિલ્લાની અંદરના રૂટ ઉપર જ દોડશે. વધૂમાં એસટી વિભાગે આકરા નિયમો રાખતા આ બસો ખાલેખાલી દોડે તો નવાઈ નહિ.

મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ સામણાએ આવતીકાલથી શરૂ થતી બસ સેવા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં કાલે બુધવારથી એસટી બસો દોડાવવામાં આવશે. હાલ 10 રૂટ ઉપર 10 બસો ચાલુ કરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી જ એક તાલુકામાંથી બીજા તાલુકામાં જશે. બસ નિર્ધારીત રૂટમા ક્યાંય સ્ટોપ કર્યા વગર દોડશે. પેસેન્જરે ઓનલાઇન ટીકીટ બુક કરાવવાની રહેશે. બસના ડ્રાઇવરને ટીકીટ કાપવાનું મશીન આપવામાં નહિ આવે. અને પેસેન્જરે બસ ઉપડવાના સમયથી 30 મિનિટ વહેલું આવવાનું રહેશે જેથી તેમનું થર્મલ સ્ક્રીનીંગ થઈ શકે.

- text

ઉલ્લેખનીય છે કે એસટી નિગમ દ્વારા આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે વાસ્તવમાં હવાઈ સેવાથી પણ અઘરા છે. આ આકરા નિયમોના કારણે મુસાફરો ખાનગી વાહનમાં જવાનું વધુ પસંદ કરે તેવુ લાગી રહ્યું છે.

- text