હળવદના રણકાંઠા વિસ્તારમાં વિકટ બનતી જતી પાણીની સમસ્યા

- text


કઠણાઈ કે દિન? : વિહોતનગર ગામ પંદર દિવસથી પાણીથી વંચિત

હળવદ: ગુજરાતમાં ટેન્કર યુગ ભૂતકાળ બની ગયાનું વારંવાર કહેવાતું હોય છે પરંતુ રાજ્યના કેટલાક ગામોને પીવાના પાણીની સમસ્યા ઉનાળાના સમયે પીડાદાયક હોય છે. એકાંતરાથી માંડી પંદર દિવસે પાણી આ કાળઝાળ ઉનાળામાં મળે છે.

આવી જ પરિસ્થિતિ હળવદ તાલુકાના વિહોતનગર ગામની છે ત્યાંની પ્રજાને છેલ્લા પંદર દિવસથી ગામમાં પીવાનું પાણી મળ્યું નથી અને ક્યારે મળશે તે હાલ કોઇ કહી શકે તેમ નથી. આને અચ્છે દિન નહીં પરંતુ કઠણાઈ કે દિન કહેવાય. હાલ ઉનાળામાં છેલ્લા પંદર દિવસથી વિહોતનગર ગ્રામજનોને પીવાનું પાણી મળ્યું નથી. જેને કારણે ગ્રામજનો સહિત પશુઓ પર માઠી અસર સર્જાઈ છે. સાથે જ ગામના અવેડા પણ ખાલીખમ રહેવાને કારણે માલઢોર પણ પાણી વિના ટળવળી રહ્યો છે.

- text

વિહોતનગરની મહિલાઓ જણાવી રહી છે કે અમારે તો આવું આ ઉનાળે નહીં નહિ પરંતુ દર ઉનાળે ગામમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે પાણીનુ ટેન્કર પણ પંદર દિવસ થયું છતાં આવ્યા નથી અને જો પાણીના ટેન્કર નાખવામાં આવે તો એક પાણીનું ટેન્કર નાખ્યું હોય તેને બે પાંચ ચોપડે લખાતા હોય છે ત્યારે ખાસ તો અત્યારે હાલ કોરોના મહામારીને લઈને લોકોને વગર કામે બહાર ન નીકળવા તંત્ર જણાવી રહ્યું છે પરંતુ અહીં પાણીની કોઇ વ્યવસ્થા નથી. જેથી, પાણીની શોધમાં મહિલાઓ વાળી વિસ્તારમાં રઝળપાટ કરતી જોવા મળી રહી છે ત્યારે ગ્રામજનોને પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

આ અંગે તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ એજણાવ્યું હતું કે વિહોતનગર ગામની પાણીની સમસ્યા અમારા ધ્યાને આવી છે. જેથી, હાલ તલાટી કમ મંત્રી અને સરપંચ ને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

- text