પરપ્રાંતીય શ્રમિકોને વતન પરત જવા માટે ઓફલાઈન અરજીની સુવિધા આપવા માંગ

- text


મોરબી જિલ્લા સરપંચ પરિષદે મુખ્યમંત્રી પાસે કરી લેખિત માંગણી 

મોરબી : મોરબી જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકોને વતન પરત જવા માટે ઓફલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે મોરબી જિલ્લા સરપંચ પરિષદે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.

લેખિત આવેદનમાં મોરબી જિલ્લા સરપંચ પરિષદ ગુજરાતના પ્રમુખ કે.કે.જાડેજાએ માંગ કરી છે કે માળીયા મી. તાલુકામાં અસંખ્ય પરપ્રાંતીય શ્રમિકો પાછલા 15 દિવસથી રોજગાર વિનાના છે. આ શ્રમિકો પાસે રાશનની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખૂબ જ દારુણ સ્થિતિમાં દિવસો વ્યતીત કરી રહ્યા છે. આથી શ્રમિકો વતનમાં પરત ફરવાની મંજૂરી માટે આજીજી કરી રહ્યા છે. 30 એપ્રિલે સરકાર તરફથી વતન પરત ફરવા માંગતા શ્રમિકોને ઓનલાઈન અરજી કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ ઓનલાઈન પ્રક્રિયાને કારણે શ્રમિકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે તેઓ પાસે ઓનલાઈન અરજી કરી શકે એવા મોબાઈલો નથી હોતા, કે એટલું નોલેજ પણ નથી હોતું. આથી શ્રમિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડમાંથી મુક્તિ આપવામાં આવે. તેના બદલે ઓફલાઇન પ્રક્રિયા અપનાવવામાં આવે તો શ્રમિકોને સાનુકૂળતા રહેશે. વળી હાલની પરિસ્થિતિમાં વાહનો ન મળવાની મુશ્કેલી પણ નિર્માણ થઈ શકે છે.

- text

ઉપરોક્ત બન્ને સમસ્યા અંગે ઘટતું કરી શ્રમિકો અંગેની જવાબદારી ગ્રામ પંચાયત, તલાટી, રેવન્યુ તલાટી તથા ગ્રામ સેવકને સોંપવામાં આવે તેમ જણાવી કે.કે.જાડેજાએ અંતમાં ઉમેર્યું હતું કે શ્રમિકોને વતન વાપસી માટે અનુકૂળ સિસ્ટમ ઉભી કરી જ્યાં સુધી સિસ્ટમ કાર્યરત ન થાય ત્યાં સુધી તેઓ માટે રાશનની સુચારુ વ્યવસ્થા કરવી.

- text