મોરબી જિલ્લાના નવ ગામોને ટેન્કરથી પાણી પુરૂ પાડવાની વ્યવસ્થા કરાઈ

- text


મોરબી : કોરોના મહામારી વચ્ચે સમગ્ર વહિવટી તંત્ર ઝઝુમી રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિમાં પીવાના પાણીની કોઇ તકલીફ ઉભી ન થાય તે માટે પાણી પૂરવઠા બોર્ડ દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. હાલ મોરબી જિલ્લામાં નવ ગામોમાં સ્થાનિક સ્ત્રોતમાંથી પાણી ખુટી જતાં પાણી પૂરવઠા બોર્ડ દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર અને ટોળ, વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ, જાલીડા, વંસુધરા, રંગપર, રૂપાવટી, પીપળીયારાજ અને મોરબી તાલુકાના વાંકળા સહિતના નવ ગામના પરા વિસ્તારોમાં હાલની ઉનાળાની સ્થિતિમાં પાણીની અછત ઉભી થઈ છે. આ ગામના લોકોને પીવા તેમજ વપરાશ માટે પુરતું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પુરતી વ્યવસ્થા કરી ટેન્કરો મારફત પાણીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.

- text

સ્થાનિક સ્ત્રોતોમાંથી પાણી ખુટી જતા તા. ૦૩-૦૪-૨૦૨૦થી પાણીનું વિતરણ ગ્રામજનોને કરવામાં આવી રહ્યું છે. જેમાં રોજ ખાનગી ટેન્કરો દ્વારા ૧૦ હજાર લીટરના ૩૮ થી ૩૯ ફેરા કરવામાં આવે છે તેમ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરશ્રી પી.એ.સોંલકી દ્વારા જણાવાયું છે. લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં પાણીની અગવડ ઉભી થાય તે પહેલા જ સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ હોઇ તેવા ગામોમાં પાણી વિતરણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

- text